અમદાવાદઃ આજે ૧૦મી ઓગષ્ટ એટલે "વિશ્વ સિંહ દિવસ". મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેટકોમ મારફતે સિંહ સંરક્ષણ-સંવર્ધન અંગે  સંબોધન કરશે.  જેનું જીવંત પ્રસારણ વંદે ગુજરાત ચેનલ નંબર-૧ ઉપર કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સોશ્યલ મીડિયા માધ્યમો ઉપર પણ જીવંત પ્રસારણ કરવામાં આવશે.  આજે રાજ્યમાં એશિયાટીક લાયન લેન્ડ સ્કેપ વિસ્તારમાં સિંહ દિવસની ઉજવણી થશે.


લેન્ડ સ્કેપ વિસ્તારના ૮ જિલ્લાની ૬૫૦૦ જેટલી શાળા-કોલેજોમાં ઉજવાશે વિશ્વ સિંહ દિવસ. સિંહ પર બનેલી ડોક્યુમેન્ટ્રીનુ નિદર્શન કરી નાગરીકો એશિયાઈ સિંહના સંરક્ષણ માટે કરશે પ્રતિજ્ઞા. નોંધનીય છે કે, એશિયાઇ સિંહ માત્ર ગુજરાતમાં જોવા મળે છે, ત્યારે વિશ્વ સિંહ દિવસ ગુજરાત માટે ખાસ છે. 





એશિયાઇ સિંહ એ બિલાડી વંશનું સૌથી ઊંચું અને આફ્રિકન સિંહ પછી સૌથી મોટું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાતના ગીર અભયારણ્યમાં જોવા મળે છે. એશિયાઇ સિંહ એ ભારતમાં જોવા મળતી ૫ "મોટી બિલાડી" ઓ માંથી એક છે. અન્ય ચાર પ્રજાતિમાં બેંગોલ ટાઇગર, ભારતીય દિપડો, બરફ નો દિપડો (snow leopard), અને ધબ્બેદાર દિપડો (clouded leopard) વગેરે છે. 


પહેલાના સમયમાં તે અરબસ્તાનથી છેક સુમાત્રા સુધી જોવા મળતા હતાં, ત્યારે તેની ત્રણ પ્રજાતિઓ હતી. બંગાળના સિંહ, અરેબીયાના સિંહ અને ઇરાનનાં સિંહ, વખત જતાં આજે તે ફક્ત ભારતનાં થોડા ભાગ પુરતા જ જોવા મળે છે. હાલ આફ્રિકામાં જોવા મળતા સિંહ કરતા તે આકારમાં નાનાં અને રંગ ઝાંખો હોય છે. પરંતુ આક્રમકતા આ બંન્ને પ્રજાતિમાં સરખીજ હોય છે.