આગામી પાંચ દિવસ રાજ્યભરમાં યલો અલર્ટ જાહેર કરાયુ છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આજે અથવા આવતીકાલ સુધીમાં તાપમાન 44 ડિગ્રી વટાવશે. ગરમ સુકા પવનથી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદ સહિત 5 શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રી જયારે અન્ય 4 શહેરોમાં 42 ડિગ્રીથી વધુ નોંધાયો.


હવામાન વિભાગ અનુસાર આજે અથવા આવતીકાલે તાપમાન 44ને વટાવી શકે છે. તો આગામી અઠવાડિયા દરમિયાન સમગ્ર રાજ્ય હીટવેવને કારણે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે. 25 એપ્રિલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  તેમજ સુરત, વલસાડ, પોરબંદર, જુનાગઢ અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 26 એપ્રિલથી ચારથી પાંચ દિવસો સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધવાની શક્યતા હોવાથી યલો એલર્ટ અપાયુ છે.


અટારી બોર્ડર પર લગભગ 700 કરોડ રૂપિયાનું 102 કિલો હેરોઇન જપ્ત


પંજાબઃ કસ્ટમ વિભાગે રવિવારે પંજાબની અટારી બોર્ડર પરથી 102 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 700 કરોડ હોવાનું કહેવાય છે.  આ કન્સાઈનમેન્ટ અફઘાનિસ્તાનથી આવ્યું હતું. કસ્ટમ્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમૃતસર કસ્ટમ્સ (પી) કમિશનરેટ હેઠળના ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઈસીપી) અટારી દ્વારા કુલ 102 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.


સત્તાવાર નિવેદન અનુસાર, હેરોઈન દિલ્હી સ્થિત એક વ્યક્તિ દ્વારા અફઘાનિસ્તાનથી આયાત કરાયેલ કન્સાઈનમેન્ટમાં છુપાવવામાં આવ્યું હતું. આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. અમૃતસર કસ્ટમ કમિશનર રાહુલ નાંગરેએ કહ્યું, "અફઘાનિસ્તાનથી એક કન્સાઈનમેન્ટ ICP અટારીમાં આવ્યું હતું, અમને કંઈક અસામાન્ય લાગ્યું હતું. તપાસ દરમિયાન તે હેરોઈન હોવાનો ખુલાસો થયો હતો.  અમે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી રહ્યા છીએ."


ઉલ્લેખનીય છે કે  અફઘાનિસ્તાનમાં બદલાયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ આયાત કાર્ગોની કડક તપાસ કરવામાં આવી રહી છે. અફઘાનિસ્તાનમાંથી સૂકા ફળો, તાજા ફળો અને જડીબુટ્ટીઓની નિયમિત આયાત ઈન્ટીગ્રેટેડ ચેક પોસ્ટ (ICP) અટારી દ્વારા કરવામાં આવે છે.