અમદાવાદઃ કોરોનાની બીજી લહેરમાં અતિ સંક્રમણ થતાં કોરોનોના કેસો તથા મૃત્યુઆંક વધતાં શાળાઓ બંધ કરી દેવાઈ છે. આ માહોલમાં પરીક્ષાઓ લેવી શક્ય નથી તેથી કેન્દ્ર સરકારે આ વર્ષે સીબીએસઈની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ કરી દીધી હતી. ગુજરાત સરકારે કોઈ નિર્ણય ના લેતાં ગુજરાતમાં શું થશે એ અંગે અવઢવ હતી. 


અંતે ગુરૂવારે ગુજરાત સરકારે પણ ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. આ પહેલાં દર  વર્ષે નિયમિત રીતે માર્ચ મહિનામાં લેવાતી બોર્ડ પરીક્ષા કોરોનાને લીધે મોકૂફ રાખીને  10 મેથી લેવાની જાહેરાત કરાઈ હતી પણ કોરોનાના કેસ મોટી સંખ્યામાં વધતાં સરકારે 10  મેથી લેવનારી પરીક્ષા પણ મોકૂ રાખી દીધી હતી.


દરમિયાન સરકારે ગુરૂવારે એકાએક ધોરણ 10ની બોર્ડ પરીક્ષા રદ કરી શાળામાં ભણતા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના માસ પ્રમોશનના નિર્ણયથી ધોરણ 10ના 8.૩7 લાખ જેટલા રેગ્યુલર વિદ્યાર્થીઓએ હવે પરીક્ષા જ નહી આપવી પડે અને સીધા ધોરણ 11માં જતા રહેશે.


બોર્ડના ઈતિહાસમા પ્રથમવાર પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપવામા આવી રહ્યું છે ત્યારે બોર્ડને તેના કારણે કરોડોનો ફટકો પડશે. ધોરણ 10માં વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓની ફી નથી લેવાતી. તેમને બાદ કરતા સામાન્ય કેટેગરીમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસેથી 345 રૂપિયા લેખે પરીક્ષા ફી લેવાઈ છે. આ તમામ વિદ્યાર્થીને પરીક્ષા પાછી આપવી પડે તો બોર્ડે 14 કરોડ રૂપિયા જેટલી ફીની ચૂકવણી કરવી  પડશે.  આ  ઉપરાંત પરીક્ષા માટે  બોર્ડે કરેલો ખર્ચ પણ માથે પડશે એ જોતાં બોર્ડને કરોડોનો ફટકો પડશે.