Haryana Floor Test update :હરિયાણાની સૈની સરકારે બુધવારે વિધાનસભામાં વિશ્વાસ મતનો સામનો કર્યો હતો. આ પ્રસ્તાવને ગૃહની અંદર ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ વિશ્વાસ મતને લઈને JJPએ પોતાના તમામ ધારાસભ્યોને વ્હિપ જારી કરીને કહ્યું હતું કે, કોઈપણ ધારાસભ્ય ગૃહમાં હાજર ન થાય. પરંતુ વ્હીપ જાહેર  કરવા છતાં જેજેપીના પાંચ ધારાસભ્યો ગૃહમાં પહોંચ્યા હતા. જો કે, વિશ્વાસ મત રજૂ થાય તે પહેલા જ આ પાંચેય ધારાસભ્યો ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા હતા. આ રીતે જેજેપીના તમામ 10 ધારાસભ્યો વિશ્વાસ મત દરમિયાન ગૃહમાં ગેરહાજર રહ્યાં હતા.


જેજેપી ધારાસભ્યો રહ્યાં ગૃહથી રહ્યાં બહાર


વિશ્વાસ મત દરમિયાન, અપક્ષ ધારાસભ્ય બલરાજ કુંડુ પણ ગૃહમાંથી બહાર નીકળી ગયા હતા. હરિયાણા વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 90 છે. જ્યારે ભાજપ પાસે કુલ 41 ધારાસભ્યો છે. જ્યારે બહુમતનો આંકડો 46 છે. આવી સ્થિતિમાં, જેજેપીના તમામ 10 ધારાસભ્યો (પાંચ ગૃહમાં આવ્યા ન હતા જ્યારે પાંચ ગૃહમાંથી પાછા ફર્યા હતા) અને એક અપક્ષ ધારાસભ્યની બહાર નીકળવાથી, વિધાનસભામાં કુલ સંખ્યા હવે 79 થઈ ગઈ છે. જે મુજબ બહુમતનો આંકડો 40 છે. જ્યારે ભાજપ પાસે ગૃહમાં 41 ધારાસભ્યો છે.


નાયબ સિંહ સૈનીએ મંગળવારે હરિયાણાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મંગળવારે સવારે મનોહર લાલ ખટ્ટરે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી જ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયે નાયબ સિંહ સૈનીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સૈની ઉપરાંત કંવરપાલ ગુર્જર અને મૂળચંદ શર્માએ પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. કંવરપાલ મનોહર પાર્ટ-2 સરકારમાં શિક્ષણ પ્રધાન હતા, જ્યારે મૂળચંદ શર્મા અગાઉની સરકારમાં પરિવહન પ્રધાન હતા. આ ઉપરાંત રણજીત સિંહ, જયપ્રકાશ દલાલ અને ડૉ.બનવરી લાલે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.


હરિયાણામાં નાયબ સરકાર



  • નાયબ સૈની - મુખ્યમંત્રી (MP કુરુક્ષેત્ર)

  • કંવરપાલ ગુજ્જર - કેબિનેટ મંત્રી (છછરૌલી ધારાસભ્ય)

  • મૂળચંદ શર્મા - કેબિનેટ મંત્રી (બલ્લભગઢ ધારાસભ્ય)

  • રણજીત સિંહ - કેબિનેટ મંત્રી (રાનિયાન ધારાસભ્ય)

  • જેપી દલાલ - કેબિનેટ મંત્રી (લોહારુ ધારાસભ્ય)

  • ડો. બનવારી લાલ - કેબિનેટ મંત્રી (બાવલ ધારાસભ્ય)


આગામી લોકસભા ચૂંટણી પહેલા મંગળવારે હરિયાણાના રાજકારણમાં નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો. સીએમ ખટ્ટરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આના થોડા સમય બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ્ય એકમના અધ્યક્ષ નાયબ સિંહ સૈનીને વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.