Hydrogen Train in India: ભારતીય રેલવે આ વર્ષે ડિસેમ્બર સુધીમાં હાઈડ્રોજન ટ્રેનને શરુ કરવા જઈ રહી છે. તેને પહેલા 8 રૂટ પર ચલાવવામાં આવશે અને તેની સ્પીડ 160 કિમી પ્રતિ કલાકની હોઈ શકે છે.


Hydrogen Train: દેશની ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રેલ્વે હાઈડ્રોજન ટ્રેનને શરુ કરવા જઈ રહી છે. રેલવેએ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. તે દેશના 8 હેરિટેજ રૂટ માટે ચલાવવામાં આવશે. આ હાઈડ્રોજન ટ્રેનને લઈને ઘણા ફેરફારો કરવામાં આવશે. તેની ડિઝાઇનમાં પણ ફેરફાર હશે. હાઇડ્રોજન ટ્રેનો 1950-60ના સમયની ટ્રેનોનું સ્થાન લઇ લેશે.


ભારતીય રેલવે દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે હાઈડ્રોજન ટ્રેન ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલયે માહિતી આપી છે કે, હાઈડ્રોજન ટ્રેન શરૂઆતમાં દેશના 8 અલગ-અલગ રૂટ પર ચલાવવામાં આવશે, જે ડિસેમ્બર 2023 સુધીમાં શરૂ થવાની સંભાવના છે. ચાલો જાણીએ કે, આ હાઇડ્રોજન ટ્રેનને કયા રૂટ પર ચલાવવામાં આવશે.


હાઈડ્રોજન ટ્રેનનું નામ વંદે મેટ્રો રાખવામાં આવશે


હાઈડ્રોજન ટ્રેનને લઈને સરકારે ખાસ આયોજન કર્યું છે. સરકારે હેરિટેજ માટે હાઇડ્રોજન નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે અંતર્ગત આ ટ્રેનોને હેરિટેજ રૂટ પર ચલાવવામાં આવશે. રેલ્વે મંત્રી અશ્વની વૈષ્ણવે (Railway Minister Ashwani Vaishnav)કહ્યું કે, આ ટ્રેનો દોડવાથી દેશ ગ્રીન એનર્જીની દિશામાં વધુ આગળ વધશે. અગાઉ, કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે નવી બનાવવામાં આવેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેનોને વંદે મેટ્રો કહેવામાં આવશે. રેલ્વે મંત્રીએ કહ્યું, 'અમે ડિસેમ્બર 2023થી હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન શરૂ કરીશું. આનો અર્થ એ થશે કે આ હેરિટેજ માર્ગો સંપૂર્ણપણે હરિયાળા બની જશે.


આ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન દોડશે


હાઈડ્રોજન ટ્રેન માથેરાન હિલ, દાર્જિલિંગ હિમાલય, કાલકા શિમલા, કાંગડા વેલી, બિલમોરા વઘાઈ, મહુ પાતાલપાની, નીલગિરી માઉન્ટેન રેલ્વે અને મારવાડ - દેવગઢ મદરિયા પર ચલાવવામાં આવશે. ત્યારબાદ તેને અન્ય રૂટ માટે ચલાવવામાં આવશે.


હાઇડ્રોજન ટ્રેન ક્યાં ચાલે છે


આવું કરનાર ભારત પહેલો દેશ નથી. અગાઉ આ ટ્રેન જર્મની અને ચીનમાં ચાલી રહી છે. આ વર્ષે જુલાઈમાં જર્મનીમાં હાઈડ્રોજન ટ્રેન દોડાવવામાં આવી હતી. તેની કુલ અંદાજિત કુલ કિંમત $86 મિલિયન છે. તે એક સમયે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે 1000 કિમી દોડી શકે છે. તેનું પરીક્ષણ 2018માં કરવામાં આવ્યું હતું.


ચીનમાં હાઇડ્રોજન ટ્રેનની ઝડપ


ચીને તાજેતરમાં એશિયાની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરૂ કરી છે, જે એકવાર ટાંકી ભરાઈ જાય પછી 600 કિમીનું અંતર કાપે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, હાઇડ્રોજનથી ચાલતી આ ટ્રેનની ટોપ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક છે.