Kanjhawala Death Case: દિલ્હીના કાંઝાવાલામાં કાર નીચે 12 કિલોમીટર સુધી ઢસડાયેલી 20 વર્ષિય યુવતીનાના મોતને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે ચારેબાજુથી અલગ અલગ થિયરી સામે આવી રહી છે. જેથી આ આખી ઘટના જાણે એક કોયડો બની ગઈ છે. અંજલિના મૃત્યુ સાથે જોડાયેલા આવા ઘણા પ્રશ્નો છે, જે દેશ જાણવા માંગે છે. આ તમામ સવાલોના જવાબ જાણવા માટે એબીપી ન્યૂઝે એક સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. જેમાં કેસના દરેક પાત્રો સુધી પહોંચીને રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે.


સ્ટિંગ ઓપરેશનમાં પહેલું પાત્ર અનિલ છે જે વિવાન હોટેલનો મેનેજર છે. જ્યાં અંજલિ અને તેના મિત્રએ ઓયો દ્વારા રૂમ બુક કરાવ્યો હતો અને આખી કહાની જ તેઓ હોટેલમાંથી બહાર નીકળ્યા બાદ શરૂ થઈ હતી. અંજલિ અને તેની ફ્રેન્ડ નિધિ વચ્ચે ઝઘડો થયો હોવાની તસવીરો પણ સામે આવી છે, જેમાં બંને રોહિણી સેક્ટર 23માં આવેલી હોટલ વિવાનની બહાર લડી રહી હોવાનું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


મેનેજરે પ્રશ્નોના આપ્યા જવાબ  


આ ફૂટેજ બાદ સવાલ એ ઊભો થયો હતો કે ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે હોટલનો રૂમ બુક કરાવનારા બે મિત્રો અડધીરાતે લગભગ 1.15 વાગ્યે રસ્તા પર કેમ લડી રહ્યા હતા? આ સાથે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે, અંજલિ અને તેની મિત્ર નિધિએ જે રૂમ નંબર 104 બુક કરાવ્યો હતો તેની અંદર આખરે શું થયું હતું?


આ સવાલોના જવાબ આપતા હોટલના મેનેજર અનિલે કહ્યું હતું કે, મને અહીં આ હોટલમાં આવ્યાને એક મહિનો થઈ ગયો છે. પહેલા હું અહીં હાઉસ કીપિંગમાં હતો, હવે હું મેનેજર બની ગયો છું. આ અગાઉ આ યુવતીને અહીં બે ત્રણ વાર આવતી જતી જોવામાં આવી હતી. આ વખતે તે લગભગ 7:30 વાગ્યે અહીં આવી હતી અને મોડી રાત્રે 1:30 વાગ્યાની આસપાસ નિકળી ગઈ હતી. 


કેવી રીતે શરૂ થયો ઝઘડો?


જ્યારે મેનેજરને પૂછવામાં આવ્યું કે શું આ બંને વચ્ચે કોઈ ઝઘડો થયો હતો? આ અંગે અનિલે કહ્યું હતું કે, માત્ર છોકરીઓ જ એકબીજા સાથે ગાળાગાળી કરતી હતી. બંને સાથે કોઈ ત્રીજી વ્યક્તિ નહોતી. હોટલનો રૂમ બંને યુવતીઓના નામે બુક કરવામાં આવ્યો હતો. મેનેજરે જણાવ્યું હતું કે, બંને પોત પોતાના બોયફ્રેન્ડ સાથે આવતા હતા. મેનેજરના જણાવ્યા પ્રમાણે,  12.15 વાગ્યે તો એક યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. નિધિ ફરી પાછી આવી હતી. 15 થી 20 મિનિટ બાદ તે તેમની સ્કૂટી લઈને પાછી આવી. આ ચોંકાવનારી વાત અત્યાર સુધી સામે નહોતી આવી, પરંતુ મેનેજરે હિડન કેમેરા સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હવે સવાલ એ છે કે 20 મિનિટ સુધી યુવતી આખરે ક્યાં ગઈ હતી?


તપાસમાં એ પણ સામે આવ્યું કે હોટલમાં યુવતીના જે મિત્રો હતા તેમને પણ રૂમ બુક કરાવ્યો હતો. આ અંગે વધુ વાત કરતાં અનિલે જણાવ્યું હતું કે, બંને યુવતીઓ 7 વાગ્યાથી જ રૂમમાં હતી. જ્યારે છોકરાઓ 5-7 મિનિટ માટે જ અંદર ગયા હતા. આ છોકરાઓ અગાઉ પણ આ જ છોકરીઓ સાથે હોટલના રૂમમાં આવ્યા હતા. છોકરીઓ અને છોકરાઓ વચ્ચે કોઈ લડાઈ નહોતી. છોકરાઓ સાથે તો હસી મજાક ચાલી રહ્યાં હતા, જેમ કે રેકોર્ડિંગમાં દેખાય છે.


શું પાંચ આરોપીઓ હોટલમાં આવ્યા હતા?


સમગ્ર કાંઝાવાલા કેસમાં સૌકોઈના મનમાં એક પ્રશ્ન છે કે જે પાંચ આરોપીઓ ઝડપાયા છે તેઓની અંજલી અને તેની મિત્ર નિધિ સાથે પહેલા કોઈ ઓળખાણ હતી કે કેમ? શું તે છોકરાઓ પણ આ હોટલમાં હાજર હતા? એબીપી ન્યૂઝના રિપોર્ટરે સ્ટિંગ ઓપરેશનમાં મેનેજરને આ જ સવાલ પૂછ્યો હતો. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, એવું નથી. રેકોર્ડિંગમાં જે દેખાય છે તે એ છોકરાઓ નથી. આ દરમિયાન મેનેજરે એમ પણ જણાવ્યું હતું કે, આ દરમિયાન બંને યુવતીઓ નશામાં હતી.


મેનેજરના જણાવ્યા અનુસાર, બંને યુવતીઓ નશામાં હતી અને હોટલની અંદર સિસાસિશ અને ઝઘડાનો માહોલ શરૂ થઈ ગયો હતો. ત્યાર બાદ મેનેજરે ધમકાવતા બંને યુવતીઓએ રૂમ ખાલી કરી દીધો હતો. ઝઘડાના કારણે પોલીસ બોલાવીશું તેવી ધમકી મળતા બંનેએ રૂમ ખાલી કરી દીધો હતો. બંને યુવતીઓ વચ્ચે સાંજથી જ ઝઘડો ચાલતો હતો. આખરે મોડી રાત્રે ફરી ઝઘડો શરૂ થયો હતો. છેલ્લે અંજલિ રિસેપ્શન પર ઊભી હતી. નિધિ તેને રિસેપ્શનમાંથી જ લઈને ચાલી ગઈ હતી.