મરાઠા આંદોલનની અસર ગુજરાતની  આંતરરાજ્ય બસ સેવા પર પણ પડી છે. મહારાષ્ટ્રથી ગુજરાત દોડતી બસો ઠપ્પ થઇ ગઇ છે. ગુજરાત રાજ્યથી દરરોજ નાશિક શિરડી પુણે જતી એસ ટી. બસોને સાપુતારા બસ સ્ટેન્ડ પર અટકાવી દેવાઈ છે. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનકારીઓ બસ ને નિશાન બનાવી નુકસાન કરતા હોવાથી  ,એસ. ટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુરક્ષા માટે બસ ગુજરાત બોર્ડર સુધી જ મર્યાદિત કરવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં જતાં મુસાફરો સાપુતારા ખાતે અટવાયા  હતા.


મહારાષ્ટ્રના રાજકારણમાં મરાઠાઓનો ખાસ્સો પ્રભાવ છે. રાજ્યમાં આ સમુદાયની વસ્તી 30 ટકાથી વધુ છે. મરાઠા અનામતની માંગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ટોળાએ પૂર્વ મંત્રી અને બે ધારાસભ્યોના નિવાસસ્થાન અને ઓફિસોને આગ ચાંપી દીધી હતી. આ મામલે ઘણા ધારાસભ્યો અને સાંસદોએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.


મનોજ જરાંગે પાટીલ મરાઠા આંદોલનને લઈને આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે મહારાષ્ટ્ર સરકારને બુધવાર (01 નવેમ્બર) સુધી માંગણીઓ પૂરી કરવા માટે સમય આપ્યો છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવું અલ્ટીમેટમ પણ આપ્યું હતું. અગાઉ 2018માં અનામતને લઈને આંદોલન થયું હતું. જે બાદ સરકારે વિધાનસભામાં બિલ પાસ કર્યું હતું


સોમવારે, મરાઠા સમુદાય માટે આરક્ષણની માંગણી કરતું પ્રદર્શન અચાનક અચાનક હિંસક બન્યું અને પ્રદર્શનદારીઓએ ધારાસભ્યોના ઘરો અને કાર્યાલયો પર હુમલો કર્યો. પ્રદર્શનકારીઓએ છત્રપતિ સંભાજી નગરમાં ભાજપના ધારાસભ્ય પ્રશાંત બંબના કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો.


પ્રદર્શનકારીઓએ ટાયરો સળગાવીને સોલાપુર-અક્કલકોટ હાઈવે પણ બ્લોક કરી દીધો હતો. જો કે, આ વિરોધ શુક્રવારથી જ ઉગ્ર થવા લાગ્યો જ્યારે વિરોધીઓએ કેટલાક નેતાઓને ગામડાઓમાં પ્રવેશતા અટકાવ્યા અને રાજ્ય પરિવહન નિગમની કેટલીક બસોને આગ ચાંપી દીધી. મહારાષ્ટ્ર આવતી બસોને નુકસાન થતું હોવાથી જાન અને માલની સુરક્ષા માટે ગુજરાતથી મહારાષ્ટ્ર જતી બસ સેવાને હાલ પુરતી અટકાવાઇ છે..