'વર્ષ 2022માં દેશમાં વેગ વધ્યો, લોકોએ ઇતિહાસ રચ્યો'- મનકી બાતમાં બોલ્યા વડાપ્રધાન મોદી


PM Modi Mann Ki Baat: મન કી બાતમાં પીએમ મોદીએ, ઓગસ્ટ મહિનામાં 'હર ઘર તિરંગા' અભિયાનને યાદ કરતા કહ્યું કે તેને કેવી રીતે ભૂલી શકાય.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમનનો આજે 96મો એપિસોડ સંબોધિત કર્યો. જે આ વર્ષનો અંતિમ એપિસોડ પણ હતો. મન કી બાતની શરૂઆતમાં પીએમ મોદીએ ભારતની પ્રગતિ વિશે વાત કરી અને G-20ની અધ્યક્ષતાની જવાબદારી દેશને મળવા પર ગર્વ પણ વ્યક્ત કર્યો.


પીએમએ કહ્યું કે, "વર્ષ 2022માં દેશના લોકોની તાકાત, તેમનો સહકાર, તેમનો સંકલ્પ, તેમની સફળતાના કિસ્સાઓ એટલા બધા હતા કે 'મન કી બાત'માં દરેકની વાત કરવી મુશ્કેલ થઈ જશે. 2022 ખરેખર ઘણી રીતે ખૂબ જ પ્રેરણાદાયક અને અદ્ભુત રહ્યું છે. આ વર્ષે ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા અને સાથે જ આ વર્ષે અમૃતકલની શરૂઆત થઈ. આ વર્ષે દેશને નવી ગતિ મળી, તમામ દેશવાસીઓએ એક બીજાથી ચઢિયાતુ કામ કર્યું."


લોકોએ એકતાની ઉજવણી કરી - PM મોદી


વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, "ગુજરાતનો માધવપુર મેળો કે જ્યાં રુક્મિણી વિવાહ અને ભગવાન કૃષ્ણના પૂર્વોત્તર સાથેના સંબંધની ઉજવણી થતી હોઈ  કે પછી કાશી-તમિલ સંગમ, આ તહેવારોમાં એકતાના અનેક રંગો જોવા મળ્યા. આ બધાની સાથે 2022ના વર્ષને બીજા પણ એક કારણથી યાદ કરવામાં આવશે. જે છે 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'. દેશના અનેક લોકોએ આ એકતાની ઉજવણી કરી."


હર ઘર તિરંગા અભિયાને ઈતિહાસ રચ્યો


પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2022માં દેશવાસીઓએ વધુ એક ઈતિહાસ રચ્યો છે. ઓગસ્ટ મહિનામાં 'હર ઘર તિરંગા' અભિયાન કોણ ભૂલી શકે. તે ક્ષણે દરેક દેશવાસીઓના રુવાડા ઉભા થઇ ગયા હતા. આઝાદીના 75 વર્ષના આ અભિયાનમાં આખો દેશ ત્રિરંગાના રંગમાં રંગાય ગયો હતો. 6 કરોડથી વધુ લોકોએ તિરંગા સાથે સેલ્ફી મોકલી હતી. આઝાદીનો આ અમૃત મહોત્સવ આવતા વર્ષે પણ આવી જ રીતે ચાલુ રહેશે સાથે જ અમૃત્કાળનો પાયો વધુ મજબૂત કરશે.


PMએ G-20 માટે મળેલ જવાબદારી પર ગર્વ વ્યક્ત કર્યો


G-20ની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે ભારતને G-20ની અધ્યક્ષતાની જવાબદારી પણ મળી છે. મેં છેલ્લી વખતે પણ આ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. વર્ષ 2023માં આપણે G-20ના ઉત્સાહને નવી ઊંચાઈઓ પર લઈ જઈને આ ઈવેન્ટને જન આંદોલન બનાવવું છે. પીએમએ કહ્યું, મારા પ્રિય દેશવાસીઓ, આજે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ ઈસુ ખ્રિસ્તના જીવન અને ઉપદેશોને યાદ કરવાનો દિવસ છે. મારા તરફથી તમને બધાને ક્રિસમસની શુભેચ્છાઓ.