વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે તેના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસ પૂરા કરી લીધા છે. આ 100 દિવસોમાં મોદી સરકારે પાયાગત માળખા પર તેનું ધ્યાન જાળવી રાખ્યું છે. આ દરમિયાન મોદી સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંબંધિત 3 લાખ કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજૂરી આપી છે.


સૌથી મોટો છે આ બંદર પ્રોજેક્ટ


ઇટીના એક અહેવાલ અનુસાર, મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસોમાં 3 લાખ કરોડ રૂપિયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. તેમાં સૌથી મોટો પ્રોજેક્ટ મહારાષ્ટ્રના વધવાનમાં બંદરનો છે. તે બંદર માટે 76,200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. તે ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથા તબક્કા માટે 49 હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે, જેના અંતર્ગત ગ્રામીણ ભારતમાં 62,500 કિલોમીટર લાંબા રસ્તાનું નિર્માણ થવાનું છે.


રોડથી લઈને રેલ અને એરપોર્ટ સુધી ધ્યાન


સરકારે આઠ નેશનલ હાઈ સ્પીડ રોડ કોરિડોરની પરિયોજનાઓને પણ મંજૂરી આપી છે. તેમની લંબાઈ 936 કિલોમીટર હશે અને 50,600 કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો અંદાજ છે. મોદી 3.0ના પ્રથમ 100 દિવસોમાં પાયાગત માળખા સાથે સંબંધિત જે પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, તેમાં વારાણસીમાં લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો વિકાસ, પશ્ચિમ બંગાળના બાગડોગર અને બિહારના બિહટામાં હવાઈ મથકો પર નવા સિવિલ એન્ક્લેવનો વિકાસ, 8 નવી રેલ લાઇન પરિયોજનાઓ, હિમાચલ પ્રદેશ અને લદ્દાખને જોડતી શિનખુન લા સુરંગ વગેરે સામેલ છે.


ત્રીજા કાર્યકાળમાં ઇન્ફ્રા પર ધ્યાન જળવાઈ રહ્યું


મોદી સરકાર દ્વારા અગાઉના બે કાર્યકાળ દરમિયાન દેશમાં પાયાગત માળખાના વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. ત્રીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસોમાં મંજૂર કરવામાં આવેલી પરિયોજનાઓથી લાગે છે કે આ કાર્યકાળમાં પણ મોદી સરકાર પાયાગત માળખાના વિકાસ પર ધ્યાન જાળવી રાખવાની છે. હાલમાં જે પરિયોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, તેમનો ઉદ્દેશ્ય દેશમાં કનેક્ટિવિટી સુધારવાનો, આર્થિક પ્રગતિને વેગ આપવાનો, રોજગારની નવી તકો ઊભી કરવાનો અને લોકોના જીવનને સરળ બનાવવાનો છે.


આ રીતે ફાયદાકારક બનશે ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ


ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં બની રહેલા બંદરથી આયાત નિકાસની સુવિધાનો વિસ્તાર થશે. સંપૂર્ણપણે તૈયાર થયા પછી તેને વિશ્વના ટોપ 10 બંદરોમાં ગણવામાં આવશે. ગ્રામીણ રસ્તા પરિયોજનાઓથી 25 હજાર ગામોને લાભ થશે. હાઈ સ્પીડ રોડ કોરિડોરથી બે શહેરો વચ્ચેનું અંતર ઘટશે. વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જે સુરંગનું શિલાન્યાસ કર્યું હતું, તેના તૈયાર થવાથી લદ્દાખને બારેમાસ કનેક્ટિવિટીનો લાભ મળશે.


આ પણ વાંચોઃ


માત્ર માણસ જ નહીં, આ પ્રાણીઓ પણ આત્મહત્યા કરે છે, જુઓ સંપૂર્ણ યાદી