આંધ્રપ્રદેશના તિરુપતિમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. ઓક્સિજનની સપ્લાઈ અટકી જતા 11 કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ થયા છે. મોડી રાત્રે ICUમાં ઓક્સિજન બોટલ ફરી રિફિલ કરવામાં પાંચ મિનિટનું મોડુ થતા દર્દીઓના મૃત્યુ થયા છે. જો કે જિલ્લાધિકારીનું કહેવું છે કે હૉસ્પિટલોમાં ઓક્સિજનની કોઈ અછત નથી. પર્યાપ્ત માત્રમાં ઓક્સિજન આપવામા આવી રહ્યું છે. પરંતુ આટલી મોટી દૂર્ઘટનાને લઈ મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ દુખ વ્યક્ત કર્યું છે અને જિલ્લા ક્લેક્ટરે સાથે વાત કરી ઘટનાની વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપ્યા છે. સાથે જ આવી ઘટના ફરીથી ન બને તેવી સૂચના આપવામાં આવી છે.


જિલ્લા કલેક્ટરે કહ્યું કે, “ઓક્સિજન પાંચ મિનિટમાં જ રિફિલ થઈ ગયું અને હવે બધું સામાન્ય થઈ ગયું છે. તેના કારણે અમે વધારે દર્દીના મોત થતા અટકાવી શક્યા.” લગભગ 30 ડોક્ટરોને દર્દીની સારસંભાળ માટે તરત જ આઈસીયૂમાં મોકલવામાં આવ્યા.


તિરુપતિની રુઈયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીંયા બીજા રોગથી પીડાતા લોકોની પણ સારવાર ચાલતી હતી. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેંટ ડો. ભારતીએ કહ્યું કે, 9 કોરોના દર્દી અને ત્રણ નોન કોવિડ દર્દીના મોત થયા છે. 5 દર્દીઓની હાલત ગંભીર છે. આ સ્થિતિમાં મોતનો આંકડો વધી શકે છે. કલેકટર એમ હરિનારાયણે જણાવ્યું કે, ઓક્સિજનની અછતથી 11 દર્દીનાં મોત થયા છે. હોસ્પિટલ પાસે હાલ એક ટેન્કર છે. આ મામલે મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ તપાસના આદેશ આપ્યા છે અને વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. હોસ્પિટલમાં કુલ 135 દર્દી વેંટીલેટર પર છે. જ્યારે 5 દર્દીની હાલ ગંભીર છે.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત કઈ હદે કથળી હતી તે જોવા મળી રહ્યું છે.