ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. આ વચ્ચે જ દેશમાં જોરશોરથી રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ વૈજ્ઞાનિક ડૉકટર સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે હાલમાં અમારી નજર વાયરસના સંક્રમણને પ્રસરતો અટકાવવા અને કોરોનાથી થતા મૃત્યુ પર રોક લગાવવામાં છે.


ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે વાયરસના તમામ વેરિયંટ સામે વેક્સિન જ કારગર સાબિત થઈ રહી છે. કોરોનાના ઘાતક વેરિયંટ સામે પણ વેક્સિન અસરકારક સાબિત થઈ છે. વધુમાં એમ પણ કહ્યું કે વેક્સિન હાલ સંપૂર્ણ પણે ઈન્ફેકશનને રોકી નથી શકતી. તો નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ ભારતમાં વધતા કેસો અંગે કહ્યું કે ભારતીય ડબલ મ્યૂટંટ કોરોના વાયરસ વધુ ખતરનાક છે. પરંતુ તે વેક્સિન સામે સંપૂર્ણ અસરકારક નથી. ભારતમાં ઝડપથી ફેલાતા કોરોના વાયરસના સંક્રમણને રોકવા નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ તમામને વેક્સિન લેવા અપીલ કરી છે.


આ સાથે WHOએ જણાવ્યું છે કે ભારતમાં કોરોના વિસ્ફોટ પાછળ મહત્વનું એક કારણ કોરોના વાઈરસનો નવો વેરિએન્ટ છે, જે વધુ ચેપી અને જીવલેણ છે. ઉપરાંત રસીકરણની ધીમી ગતિ પણ જવાબદાર છે. WHOના ટોચના વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચેતવણી આપી છે કે ભારતમાં આજે કોરોના મહામારીની સ્થિતિ કોરોના વેરિએન્ટ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો હોવાના સંકેત આપે છે. કોરોના વિસ્ફોટથી બચવાનો એકમાત્ર ઉપાય રસીકરણ અભિયાનને ઝડપી બનાવવું છે.


ડૉ. સ્વામીનાથને કહ્યું કે કોરોનાનો નવો વેરિએન્ટ બી.૧.૬૧૭ ભારતમાં ઓક્ટોબરમાં શોધાયો હતો. તે કોરોના વિસ્ફોટનું સૌથી મોટું કારણ છે. આ નવો વેરિઅન્ટ દેશમાં દરરોજ લાખો લોકોને તેનો શિકાર બનાવી રહ્યો છે અને તે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ભારતમાં મળેલો આ નવો વેરિઅન્ટ ઘણો જ ખતરનાક છે, જે શરીરમાં એન્ટીબોડી બનાવવામાં પણ અવરોધો સર્જે છે અને જૂના વેરિએન્ટની સરખામણીમાં ઘણી ઝડપથી મ્યુટેટ કરે છે. કોરોનાના પ્રસાર માટે લોકોની બેદરકારી પણ જવાબદાર છે.