મુંબઈના મલાડમાં વરસાદના કારણે મોટી દુર્ઘટના બની છે. જ્યા ચાર માળની ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થતા 11નાં મોત થયા અને 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ફાયરની ટીમે રેસ્ક્યૂ ઓપરેશન કરી મહિલાઓ અને બાળકો સહિત 15 જેટલા લોકોને બચાવી લીધા છે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોને સારવાર માટે ખસેડાયા છે. બીએમસીનો દાવો છે કે ઈમારત ખુબ જર્જરિત હતી. ભારે વરસાદના કારણે આ દુર્ઘટના બની છે. હાલમાં પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે.
નોંધનીય છે કે, હવામાન વિભાગે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારમાં બુધવારે મોનસૂનની એન્ટ્રીની જાહેરાત કરી હતી. જેના કારણે મુંબઈ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે પાણી ભરાવાની અને લોકલ ટ્રેન સેવા અટકી ગઈ હતી.
મુંબઈમાં ઘણા વર્ષો બાદ ચોમાસાએ એક દિવસ વહેલું ગાજવીજ સાથે ધમાકેદાર આગમન થયું છે. મંગળવારના મોડી રાતથી શરૂ થયેલા વરસાદની તીવ્રતા ખૂબ જ વધી ગઈ છે. જેથી વરસી રહેલા મૂશળધાર વરસાદના પગલે સમગ્ર મુંબઈ પહેલા વરસાદમાં જળબંબાકાર બનતાં જનજીવન અસ્તવસ્ત થયું છે.
શહેરમાં ચોવીસ કલાક દરમિયાન લગભગ અગિયાર ઇંચ વરસાદ વરસ્યો. ચાર દિવસ મુંબઈ સહિત કોંકણ પર ઓરેંજ અને રેડ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તેમ જ રસ્તા, હાઇવે અને પાટામાં પાણી ભરાતાં લોકલ સેવા ઠપ થઈ તેમ જ વાહનવ્યવહાર પર અસર પડી છે. મધ્ય રેલવેના પાટામાં પાણીમાં ડૂબી ગયા છે. કુર્લા સાયન વચ્ચે પાણી પાટામાં ભરાતાં મધ્ય રેલવેની તથા ચુનાભઠ્ઠી ખાતે પાટામાં પાણી ભરાતા હાર્બરની રેલવે સેવા બંધ રહી છે. જેના લીધે અતિ આવશ્યક સેવા આપનારા કર્મચારીઓ કામ પર જવા રખડી પડયા છે.
મંગળવાર રાતે ૮થી બુધવાર રાતે ૮ વાગ્યા સુધી વીતેલા ૨૪ કલાક દરમિયાન સાંતાક્રુઝમાં સાડાદસ ઇંચ,અને કોલાબામાં પોણાચાર ઇંચ વરસાદ વરસ્યો, દાદર, કુર્લા, સાયન, માટુંગા, હિંદમાતા, અંધેરી, ઘાટકોપર, ગોરેગામ, મલાડ, જોગેશ્વરી, કાંદિવલી, બોરીવલી, ભિવંડી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારમાં પાણી કેડસમા ભરાયા છે.