નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે, તાજા રિપોર્ટ પ્રમાણે ભારતમાં કોરોના પૉઝિટિવ લોકોની સંખ્યા 114 સુધી પહોંચી ગઇ છે. લદ્દાખ, ઓડિશા, જમ્મુ-કાશ્મીર અને કેરાલામાં કોરોના સંક્રમિત એક-એક કેસ સામે આવ્યા છે.

ભારતમાં 114 કેસો નોંધાયા છે, આમાં 13 દર્દીઓ એવા છે જે ઠીક થઇ ગયા છે અને હૉસ્પીટલમાંથી રજા આપી દેવામાં આવી છે, જ્યારે ભારતમાં બે લોકોના કોરોનાના કારણે મોત થઇ ચૂક્યા છે.

કોરોના વાયરસથી સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં સામે આવી છે, મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે અત્યાર સુધી 32 લોકો સંક્રમિત થયા છે.



દેશમાં કયા રાજ્યમાં કેટલા કેસો નોંધાયા.....
મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સૌથી વધુ કેસો નોંધાયા છે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 32 છે. બાદમાં કેરાલામાં 23 કેસો, ઉત્તર પ્રદેશમાં 13 કેસો, દિલ્હીમાં 7 કેસો, કર્ણાટકામાં 6 કેસો, લદ્દાખમાં અત્યાર સુધી 4 કેસો સામે આવ્યા છે.

કોરોનાના ખતરાના કારણે 12 લાખ 76 હજાર યાત્રીઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવ્યુ છે, કુલ 30 એરપોર્ટ પર સ્ક્રીનિંગની પ્રક્રિયા શરૂ કરાઇ છે.



નોંધનીય છે કે દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાયરસના કારણે 7158 લોકોના મોત થઇ ચૂક્યા છે. વળી આ વાયરસથી 1 લાખ 82 હજારથી વધુ લોકો સંક્રમિત છે. આ વાયરસથી રિકવર કરવા વાળા લોકોમાં 79 હજારથી વધુ લોકો છે. હજુ પણ દુનિયાભરમાં લગભગ 1 લાખથી વધુ કોરોના કેસ એક્ટિવ છે, આમાંથી 6 હજારથી વધુ લોકોની હાલત હજુ પણ ખરાબ છે.