નવી દિલ્હીઃ ભારતે સરકારે વધુ એક મોટુ પગલું લીધું છે. માહિતી અને ટેક્નોલોજી મંત્રાલાય દ્વારા પબજી સહિત 118 મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, આ એપ ભારત માટે ખતરો છે.


PUBG પર આ પહેલા ડેટા લોકલાઇઝેશનને લઈ સવાલ ઉઠતા હતા. જોકે તાજેતરમાં કંપનીએ તેની પોલિસીમાં બદલાવ કર્યો હતો. સરકાર દ્વારા પબજીનું લાઈટ વર્ઝન PUBG Mobile Lite પણ બેન કરી દેવામાં આવ્યું છે. આ તમામ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને આઈઓએસ પરથી દૂર કરવામાં આવી છે. એટલે કે એન્ડ્રોઇડ અને આઈફોન બંનેમાં આ એપ્સ કામ નહીં કરે. હાલ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર જોઈ શકાય છે.



માહિતી અને ટેક્નોલોજી મંત્રાલયે કલમ 69એ અંતર્ગત આ મોબાઇલ એપ્સ પર બેન લગાવવાનો ફેંસલો કર્યો છે. અનેક ફરિયાદો મળ્યા બાદ આ સરકારે આ નિર્ણય લીધો છે. નિવેદન બહાર પાડીને જણાવાયું કે, આ એપ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હતો.



માહિતી અને ટેક્નોલોજી મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું કે, આ એપ્લિકેશન્સ ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે પૂર્વગ્રહયુક્ત છે.  જેનાથી ભારતના રાજ્યોના લોકોની સલામતિ પણ જોખમાઈ શકે છે. મંત્રાલયને એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પરથી ઘણી મોબાઈલ એપ યૂઝર્સના ડેટા ચોરતી હોવાની ફરિયાદ મળી હતી.



118 એપમાં PUBG ઉપરાંત  CamCard, Baidu, Cut Cut, VooV, Tencent Weiyun, Rise of Kingdoms, Zakzak પણ સામેલ છે. આ પહેલા કેન્દ્ર સરકારે 29 જૂને TikTok સહિત 59 એપને બેન કરી દીધી હતી.



જે બાદ જુલાઈ મહિનામાં મોદી સરકારે 47 અન્ય એપ્સને પણ બેન કરી દીધી હતી. આ એપ્સ પહેલાથી પ્રતિબંધિત કરવામાં આવેલી 50 એપ્સના ક્લોન તરીકે કામ કરતી હતી.