નવી દિલ્હીઃ તેલંગણામાં કોગ્રેસને એ સમયે ઝટકો લાગ્યો જ્યારે તેના 12 ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષ પી શ્રીનિવાસ રેડ્ડી સાથે મુલાકાત કરી હતી અને સત્તાપક્ષ તેલંગણા રાષ્ટ્ર સમિતિ સાથે કોગ્રેસ ધારાસભ્ય દળના વિલયને લઇને અરજી કરી હતી. રાજ્યની 119 સભ્યોની વિધાનસભામાં કોગ્રેસ ધારાસભ્યોની સંખ્યા 18 છે.

તેલંગણામાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યોએ સત્તારૂઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી લીધી છે. આ 12 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને પક્ષપલટો કરવાની જાણકારી આપી છે. કોંગ્રેસના 12 ધારાસભ્યોએ તેલંગણા વિધાનસભા અધ્યક્ષ પોખરામ શ્રીનિવાસ રેડ્ડી સાથે મુલાકાત કરી અને તેમણે સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિ સાથે વિલય કરવાની જાણકારી આપી. આ બાજુ તેલંગણા કોંગ્રેસ પ્રમુખ એન ઉત્તમરાવ રેડ્ડીએ કહ્યું કે, ધારાસભ્યોના વિલય મામલે અમે લોકતાંત્રિક રીતે લડીશું. કોગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય જી વેંકટ રમન રેડ્ડીએ કહ્યું કે, 12 ધારાસભ્યોએ રાજ્યના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે મળીને કામ કરવાનો નિર્ણય કર્યો છે.