નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે દહેરાદૂનની મુલાકાત લીધી હતી અને ઉત્તરાખંડના અસરગ્રસ્ત વિસ્તારોમાં વાદળ ફાટવા, વરસાદ અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી. આપત્તિ પીડિતોને મળ્યા બાદ, પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરાખંડના પૂર અને વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો માટે 1200 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારો માટે 2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રીએ તાજેતરના પૂર અને ભૂસ્ખલનને કારણે અનાથ બાળકો માટે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ વ્યાપક સહાયની જાહેરાત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ પૂરની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી

ઉત્તરાખંડમાં પૂરની પરિસ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં પૂરને કારણે થયેલા નુકસાનને જોઈને ખૂબ જ દુઃખ થાય છે. જે પરિવારોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. આ સાથે, હું તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરુ છું. અમે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે રાહત અને પુનર્વસન સહિતની દરેક જરૂરી વ્યવસ્થા ઝડપથી સુનિશ્ચિત કરવામાં રોકાયેલા છીએ.

રાહત અને બચાવ માટે બહુસ્તરીય કાર્યની જરૂર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર પ્રદેશ અને તેના લોકોને મદદ કરવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરોનું પુનર્નિર્માણ, રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નવીનીકરણ, શાળાઓનું પુનર્નિર્માણ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ દ્વારા રાહત પૂરી પાડવા અને પ્રાણીઓ માટે મીની કીટનું વિતરણ જેવા પગલાંનો સમાવેશ થશે.

કેન્દ્રીય ટીમોની એક ટીમ નુકસાનનું મૂલ્યાંકન કરશે

કેન્દ્ર સરકારે પહેલાથી જ કેન્દ્રીય ટીમો ઉત્તરાખંડ મોકલી છે, જે નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યની મુલાકાત લેશે અને તેમના વિગતવાર અહેવાલના આધારે વધુ સહાય પર વિચાર કરવામાં આવશે. કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયમાં રાજ્ય સરકારો સાથે નજીકથી કામ કરશે અને શક્ય તમામ સહાય પૂરી પાડશે