મુંબઈ: ભારે વરસાદના કારણે મુંબઈના મલાડમાં એક દીવાલ ધરાશાયી થઈ હતી જેમાં 13 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 13 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના મલાડ ઈસ્ટના પિંપરીપાડા વિસ્તારમાં ઘટી હતી. જ્યારે કાટકાળ નીચે હજુ પણ અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા છે.

દીવાલ ધરાશાયી થતાં 13 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા તેમને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

મલાડ દીવાલ પડવાના કારણે ભોગ બનેલા લોકો અંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે ઘટનામાં ભોગ બનેલાઓના પરિવારોને 5-5 લાખ સહાય આપવાની જાહેરાત કરી છે.

નોંધનીય છે કે, સોમવાર મોડી રાત્રે મહારાષ્ટ્રના પુણેમાં એક દીવાલ પડવાના કારણે 6 લોકોનાં મોત થયા હતાં જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. એએનઆઈ મુજબ અમ્બેગાંવમાં સ્થિત સિંહગડ કોલેજની દીવાલ પડવાથી અનેક લોકો ઝપેટમાં આવી ગયા હતાં. રાત્રે લગભગ 1.15 વાગ્યે આ દુર્ઘટના થઈ હતી.