નવી દિલ્હી: ભારતમાં શુક્રવારે એક દિવસમાં કોરોના વાયરસના 17296 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 407 દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ નવા કેસ અને મોત છે. ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 490401 થઈ ગઈ છે. પરંત રાહતના સમાચાર એ છે કે સંક્રમણથી સ્વસ્થ થતા લોકોની સંખ્યામાં પણ ઘણો વધારો થયો છે.

ભારતમાં કુલ સંક્રમિત દર્દીઓમાંથી 2,85,636 દર્દીઓ સંક્રમણથી સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 13940 દર્દીઓ સ્વસ્થ થયા છે. આ સાથે જ સંક્રમણથી સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસ એટલે જેની સારવાર ચાલી રહી છે તેનાથી વધુ છે. આ બંને વચ્ચે 96173નું અંતર છે. આ સાથે જ ભારતમાં રિકવરી રેટ 58.24 ટકા થઈ ગયો છે.

હવે ભારતમાં કુલ 1,89,463 એક્ટિવ કેસ છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાના કુલ કેસમાંથી માત્ર 38.63 ટકા દર્દીઓ સંક્રમિત છે જ્યારે 58.24 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે સંક્રમણથી અત્યાર સુધીમાં કુલ 15,301 દર્દીઓના મોત થયા છે. દેશમાં કોરોના સંક્રમણના કારણે મૃત્યુદર 3.21 ટકા છે.