નવી દિલ્હી: લદાખની ગલવાન ઘાટીમાં ચીન અને ભારત સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનોની શહીદી અને એલએસી પર ચીનના અતિક્રમણના મુદ્દાને લઈને સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદી પર સવાલ ઉઠાવ્યા છે. પત્રકાર પરિષદમાં સોનિયા ગાંધીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, ગલવાન ઘાટીમાં ઘૂસણખોરી નથી થઈ તો જવાન કઈ રીતે શહીદ થયા.


સોનિયા ગાંધીએ કહ્યું, “વડાપ્રધાન કહે છે કે, અમારી સરહદમાં કોઈ ઘૂસ્યૂ નથી, જ્યારે બીજી તરફ રક્ષામંત્રી અને વિદેશ મંત્રાલય ઘણીવાર ચીની સૈનિકોના ઘૂસણખોરની ચર્ચા કરે છે. નિષ્ણાંતો અને મીડિયા સેટેલાઈટ તસ્વીરો દર્શાવીને ચીની ઘૂસણખોરની પુષ્ટી કરી રહ્યાં છે. દેશ જાણવા માંગે છે કે, જો ચીને લદાખમાં આપણી જમીન પર કબ્જો નથી કર્યો તો, આપણા 20 સૈનિકોની શહીદી શા માટે અને કઈ રીતે થઈ ?”

સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે, ચીનની સેનાએ લદાખમાં ઘૂસીને કબજો કર્યો. હવે મોદી સરકાર આપણી જમીન ક્યારે અને કઈ રીતે પરત મેળવશે ? શું ચીન દ્વારા ગલવાન ઘાટીમાં નવું નિર્માણ કરીને આપણી ભૂભાગીય અખંડતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે ? શું વડાપ્રધાન આ સ્થિતિ પર દેશને વિશ્વાસમાં લેશે ?

કૉંગ્રેસે ગલવાન ઘાટીના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ‘શહીદોને સલામ દિવસ’ તરીકે ઉજવ્યો હતો.