Indian Students in Kharkiv:  રશિયાના હુમલા બાદ યુક્રેનના ઘણા શહેરો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. દરમિયાન, ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય લોકો હજુ પણ યુક્રેનના અનેક વિસ્તારોમાં ફસાયેલા છે. હવે વિદેશ મંત્રાલયે ફરી એકવાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય લોકો વિશે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે પ્રથમ એડવાઇઝરી જાહેર કરવામાં આવી ત્યારથી 18 હજાર ભારતીયો યુક્રેનથી સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે.






વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનથી 6,400 ભારતીયોને લઈને અત્યાર સુધીમાં 30 ફ્લાઈટ્સ ભારત પહોંચી છે. આગામી 24 કલાકમાં વધુ 18 ફ્લાઈટ શેડ્યૂલ છે. જેમાંથી 3 ફ્લાઈટ ભારતીય વાયુસેનાની C-17 છે. બાકીની કોમર્શિયલ ફ્લાઈટ્સ છે, જેમાં એર ઈન્ડિયા, ઈન્ડિગો, સ્પાઈસજેટ, ગોએર અને ગોફર્સ્ટ ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે. અમે આ તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે ભારત પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.






જો કે ભારત સરકારે યુક્રેનમાંથી હજારો લોકોને બહાર કાઢ્યા છે, પરંતુ હજુ પણ મોટી સંખ્યામાં લોકો યુક્રેનમાં ફસાયેલા છે. આ અંગે વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે શરૂઆતમાં 20,000 ભારતીય નાગરિકો નોંધાયેલા હતા, પરંતુ ઘણા એવા હતા જેમણે નોંધણી કરાવી ન હતી. અમારો અંદાજ છે કે કેટલાક હજાર નાગરિકો હજુ પણ ખારકિવમાં ફસાયેલા છે. વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવાની અમારી પ્રાથમિકતા છે.


વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ વધુમાં કહ્યું હતું કે, અમે વધુ ફ્લાઈટ્સનું આયોજન કરી રહ્યા છીએ અને આગામી 2-3 દિવસમાં મોટી સંખ્યામાં ભારતીયો પરત ફરશે. હું યુક્રેન સરકાર અને પાડોશી દેશોનો અમારા લોકોને બહાર કાઢવામાં સહાય પૂરી પાડવા બદલ આભાર માનું છું.


બાગચીએ કહ્યું હતું કે, અમે ભારતીયોના પરત લાવવાને લઇને અનેક દેશો સાથે સંપર્કમાં છીએ. ખાસ કરીને યુક્રેન અને રશિયા સાથે અનેક સ્તરે ચર્ચા ચાલી રહી છે. પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી.