નવી દિલ્હીઃ લગભગ 34 વર્ષ બાદ 1984 શીખ રમખાણ સાથે જોડાયેલા એક કેસમાં દિલ્હી હાઇકોર્ટની ડબલ બેન્ચે સોમવારે નીચલી અદાલતના નિર્ણયને બદલતા સજ્જન કુમારને રમખાણો બદલ દોષિત ઠેરવ્યો હતો. સજ્જનને હિંસા કરાવવા અને રમખાણો ભડકાવવા મામલે દોષિત ઠેરવામાં આવ્યા છે. સજ્જનકુમારને ઉંમરકેદની સજા સંભળાવી છે. તેમણે 31 ડિસેમ્બરના રોજ સરેન્ડર કરવુ પડશે. આજીવન કેદ સિવાય સજ્જન કુમારને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. તે સિવાય બાકીના દોષિતોને એક-એક લાખ રૂપિયાનો દંડ કરાયો છે.


આ મામલામાં એક હત્યાકાંડ જોડાયેલો છે જેમાં નવેમ્બર 1984માં દિલ્હી છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક જ પરિવારના પાંચ સભ્યોને મારી નાખવામાં આવ્યા હતા. આ હત્યાકાંડમાં કોગ્રેસ નેતા સજ્જન કુમાર આરોપી છે. આ મામલા પર હાઇકોર્ટની ડબલ બેન્ચના જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની બેન્ચે ગયા 29 ઓક્ટોબરના રોજ સીબીઆઇ, પીડિતો અને દોષિતો તરફથી દાખલ અરજીઓ પર દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી હાઇકોર્ટમાં કુલ સાત અપીલ કરાઇ હતી જેના પર સોમવારે દિલ્હી હાઇકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

આ અગાઉ 1984 શીખ રમખાણો મામલામાં 2013માં કોગ્રેસ નેતા સજ્જનકુમારને નીચલી અદાલતે નિર્દોષ જાહેર કરી દીધા હતા જ્યારે સજ્જનકુમાર સિવાયના બાકીના આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. જેમાં પૂર્વ કોગ્રેસ કોર્પોરેટર બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ અને બે અન્ય લોકો સામેલ હતા. કોર્ટે પોતાના આદેશમાં તેઓને રમખાણો ભડકાવવા બદલ દોષિત માન્યા હતા અને પૂર્વ કોગ્રેસ કોર્પોરેટર બલવાન ખોખર, ભાગમલ અને ગિરધારી લાલને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી જ્યારે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરને ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી હતી.

નીચલી અદાલતના આ નિર્ણયને દોષિતોએ દિલ્હીમાં હાઇકોર્ટમાં પડકાર્યો હતો. તે સિવાય સીબીઆઇ અને પીડિતોએ કોગ્રેસ નેતા સજ્જન કુમારને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયના વિરુદ્ધમાં હાઇકોર્ટમાં અપીલ કરી હતી.