ration cards names removed: કેન્દ્ર સરકારના ખાદ્ય મંત્રાલયે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) અંતર્ગત એક મોટી સફાઈ કામગીરી હાથ ધરી છે. છેલ્લા ચારથી પાંચ મહિનાના ટૂંકા ગાળામાં, દેશભરમાંથી અંદાજિત 2.25 કરોડ લોકોના નામ રેશનકાર્ડની યાદીમાંથી કમી (ડિલીટ) કરવામાં આવ્યા છે. સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો મફત અનાજ મેળવવા માટે પાત્ર ન હતા. આશ્ચર્યજનક રીતે, ગરીબ કલ્યાણની આ યાદીમાં મોટી કંપનીઓના ડિરેક્ટરો, ફોર-વ્હીલર માલિકો અને કરદાતાઓ પણ સામેલ હતા. સરકારનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે યોજનાનો લાભ માત્ર સાચા અને જરૂરિયાતમંદ ગરીબોને જ મળે.
સફાઈ અભિયાન: અયોગ્ય લાભાર્થીઓની હકાલપટ્ટી
ખાદ્ય મંત્રાલયના સચિવ સંજીવ ચોપરાએ મંગળવારે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, NFSA હેઠળ પારદર્શિતા લાવવા માટે "આધાર-સીડિંગ" અને ડેટા વેરિફિકેશનની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન જાણવા મળ્યું કે લાખો લોકો ખોટી રીતે મફત અનાજનો લાભ લઈ રહ્યા હતા. પરિણામે, છેલ્લા કેટલાક મહિનાઓમાં લગભગ 2.25 કરોડ અયોગ્ય લાભાર્થીઓના નામ યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેઓ મૃત્યુ પામ્યા છે, પરંતુ તેમના નામે રાશન ઉપાડવામાં આવતું હતું.
કોણ હતા આ 'બોગસ' લાભાર્થીઓ?
કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા અયોગ્ય લાભાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી અને આ ડેટા રાજ્ય સરકારો સાથે શેર કરવામાં આવ્યો હતો. તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે લોકોના નામ કમી કરવામાં આવ્યા છે તેમાં:
કંપનીઓમાં ડિરેક્ટર પદ ધરાવતા લોકો.
મોંઘી ફોર-વ્હીલર ગાડીઓના માલિકો.
નિયત મર્યાદા કરતા વધુ માસિક આવક ધરાવતા લોકો. આવા સમૃદ્ધ લોકો ગરીબોના હકનું 5 કિલો મફત અનાજ (ઘઉં અને ચોખા) લઈ રહ્યા હતા, જે હવે બંધ કરવામાં આવ્યું છે.
નવા અને પાત્ર લોકોને મળશે તક
સંજીવ ચોપરાએ સ્પષ્ટતા કરી હતી કે અયોગ્ય નામો દૂર કરવાની સાથે સાથે, રાજ્ય સરકારો દ્વારા યાદીમાં નવા અને સાચા પાત્ર લાભાર્થીઓને ઉમેરવાની પ્રક્રિયા પણ શરૂ છે. ખાલી પડેલી જગ્યાઓ પર હવે એવા પરિવારોને સ્થાન મળશે જેમને ખરેખર સરકારી મદદની જરૂર છે.
NFSA કાયદો અને લાભાર્થીઓની શ્રેણી
વર્ષ 2013 માં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા (NFSA) હેઠળ દેશની ગ્રામીણ વસ્તીના 75% અને શહેરી વસ્તીના 50% લોકોને આવરી લેવામાં આવે છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, આ આંકડો લગભગ 813.5 મિલિયન લોકોને સ્પર્શે છે. આ યોજના હેઠળ મુખ્યત્વે બે શ્રેણીમાં લાભ મળે છે:
અંત્યોદય અન્ન યોજના (AAY): આ સૌથી ગરીબ પરિવારો માટે છે, જેમને દર મહિને કુટુંબ દીઠ 35 કિલો અનાજ મળે છે.
પ્રાથમિકતા ધરાવતા ઘરો (PHH): આ શ્રેણીમાં દરેક વ્યક્તિ દીઠ દર મહિને 5 કિલો અનાજ આપવામાં આવે છે.
રાજ્યોની જવાબદારી અને વર્તમાન સ્થિતિ
લાભાર્થીઓની ઓળખ કરવી અને રેશનકાર્ડ જારી કરવા એ રાજ્ય સરકારોની જવાબદારી છે. જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારે સંસદમાં માહિતી આપી હતી કે 813.5 મિલિયનના લક્ષ્યાંક સામે રાજ્યોએ 805.6 મિલિયન લોકોની ઓળખ કરી છે. હજુ પણ NFSA હેઠળ લગભગ 79 લાખ નવા લાભાર્થીઓને સમાવવાનો અવકાશ છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલ 19 કરોડથી વધુ રેશનકાર્ડ ધારકો છે અને વિતરણ વ્યવસ્થા માટે દેશભરમાં લગભગ 5 લાખ જેટલી વાજબી ભાવની દુકાનો કાર્યરત છે.