નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રનો આજે છઠ્ઠો દિવસ છે. સોમવારે કોગ્રેસે મહારાષ્ટ્રમાં બનેલી રાજકીય ઘટનાઓને લઇને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને સંસદમાં ભારે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન બે કોગ્રેસી સાંસદો હિબી એડેન અને પ્રતાપનની માર્શલો સાથે ધક્કામુકી થઇ હતી. બાદમાં સ્પીકર ઓમ બિરલાએ બંન્ને સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા.


હંગામાના કારણે સંસદના બંન્ને ગૃહોની કાર્યવાહીમાં અડચણ ઉભી થઇ હતી. જેને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા અને રાજ્યસભા બપોરે બે વાગ્યા સુધી સ્થગિત રહી હતી. 12 વાગ્યે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઇ હતી જે બપોરે બે વાગ્યા સુધી ફરીવાર સ્થગિત કરી દેવાઇ હતી.

કોગ્રેસના સાંસદોએ ‘બંધારણની હત્યા બંધ કરો...બંધ કરો’ના  નારા લગાવ્યા હતા. આ વચ્ચે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ રાહુલ ગાંધીને પ્રશ્વ પૂછવા માટે આમંત્રણ આપ્યુ પરંતુ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, હું આજે સવાલ પૂછવા આવ્યો હતો પરંતુ સવાલ પૂછવાનો કોઇ અર્થ નથી કારણ કે મહારાષ્ટ્રમાં લોકતંત્રની હત્યા થઇ છે. એટલા માટે મારો સવાલ પૂછવાનો કોઇ અર્થ નથી.