મુંબઈ: ભારતીય નેવી અનુસાર શુક્રવારે ઈરાનથી 44 ભારતીયોને લાવવામાં આવ્યા છે. તેમને મુંબઈના ઘાટકોપરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 81 કેસની પુષ્ટી થઈ છે. શુક્રવારે કર્ણાટક, યૂપી અને હરિયાણામાં એક-એક કેસની પુષ્ટી થઈ છે. મહારાષ્ટ્રના નાગપુરમાં બે નવા કેસ સામે આવ્યા છે. બે લોકોને ટેસ્ટ પોઝિટિવ મળ્યા છે. અત્યાર સુધીમાં નાગપુરમાં કુલ ત્રણ લોકોમાં કોરોનાની પુષ્ટી થઈ છે.




દેશમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. કર્ણાટકના કલબુર્ગીના 76 વર્ષીય દર્દીનું જ્યારે મોત થયું ત્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેવી આશંકા હતી બાદમાં તપાસ દરમિયાન તે ચેપગ્રસ્ત હોવાનું સાબિત થયું હતું.

કોરોના વાયરસના હાહાકારના કારણે સમગ્ર વિશ્વ સહિત ભારત પણ પરેશાન છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ, કોલેજ અને થિયેટરો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ તમામ પ્રકારના સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના વાયરસના કહેરને લઈને કર્ણાટક સરકારે રાજ્યની તમામ સ્કૂલ, કૉલેજ, મોલ્સ, થિયેટર અને પબ બંધ કરવાનો આદેશ જાહેર કર્યો છે. આ સાથે જ કર્ણાટકમાં યોજાનારા પ્રદર્શન, સમર કેમ્પ, સ્વીમિંગ પૂલ રમત, સ્પોર્ટ્સના ઈવેન્ટ, ફૂટબોલ, લગ્ન અને કૉન્ફ્રેંસ પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ સરકારે પણ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. યૂપીની યોગી આદિત્યનાથ સરકારે 22 માર્ચ સુધી તમામ સ્કૂલ અને કોલેજોને બંધ કરવાની જાહેરાત કરી છે.