ઉત્તર પ્રદેશ સરકારે પણ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. યૂપીની યોગી આદિત્યનાથ સરકારે 22 માર્ચ સુધી તમામ સ્કૂલ અને કોલેજોને બંધ કરવાની જાહેરાત કરી છે. ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના 76 કેસ નોંધાયા છે.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે રાજધાની દિલ્હીમાં કોઈપણ પ્રકારના પબ્લિક કાર્યક્રમ નહી યોજાઈ. આઈપીએલ મેચ પણ દિલ્હીમાં નહી રમાય. આ નિર્ણય કોરોના વાયરસના ખતરાને લઈને લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોરોના વાયરસને રોકવો બધાની જવાબદારી છે. શર્દી, ઉધરસના લક્ષણો જોવા મળે તો ઘરમાં રહો. દિલ્હીમાં તમામ પ્રકારની ઈવેન્ટ રદ્દ કરવામાં આવી છે.
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ભારત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. ભારતમાં કોરોના વાયરસથી ચેપગ્રસ્તના 76 જેટલા કેસ સામે આવ્યા છે પરંતુ હવે દેશમાં કોરોનાથી મૃત્યુનો પ્રથમ કેસ નોંધાઈ ગયો છે. કર્ણાટકના કલબુર્ગીના 76 વર્ષીય દર્દીનું જ્યારે મોત થયું ત્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેવી આશંકા હતી બાદમાં તપાસ દરમિયાન તે ચેપગ્રસ્ત હોવાનું સાબિત થયું હતું. ભારતમાં કોરોનાના કારણે મોત થયું હોવાનો આ પ્રથમ કેસ છે.