શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લામં સુરક્ષાદળો સાથે અથડામણમાં શનિવારે બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ કુલગામ જિલ્લમાં ચિનગામ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળી હતી, બાદમાં સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હાલ પણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી છે.



તેમણે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું હતું, બાદમાં બંને વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે અથડામણમાં બે આતંકવાદીના મોત થયા છે. આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

આ પહેલા ભારતીય સુરક્ષાદળોએ આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહ્યું પરંતુ આતંકીઓએ ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. બાદમાં સુરક્ષાદળોએ પણ ફાયરિંગ શરૂ કર્યું હતું. ફાયરિંગના અવાજથી લાગી રહ્યું હતું કે આ વિસ્તારમાં ત્રણ આતંકી હોઈ શકે છે. બંને તરફથી થયેલા ફાયરિંગમાં બે આતંકી માર્યા ગયા જ્યારે એક આતંકીની શોધખોળ શરૂ છે.