Budgam Encounter: જમ્મુ અને કાશ્મીરના બડગામમાં મંગળવારે (17 જાન્યુઆરી)ના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એક રિપોર્ટ અનુસાર, આ એન્કાઉન્ટર બડગામ એસએસપી ઓફિસ નજીક થયું હતું. અહીં સુરક્ષાદળોને બે આતંકવાદીઓ  છૂપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.






સુરક્ષા દળોએ પહેલા બંને આતંકીઓને ઘેરી લીધા અને પછી ઓપરેશન શરૂ કર્યું હતું. બંને આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આતંકવાદીઓની હિલચાલની માહિતી મળ્યા બાદ સૈનિકોએ બડગામમાં મોબાઈલ વાહન ચેકપોસ્ટ સ્થાપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, "તપાસ માટે એક કેબને રોકવાનો સંકેત આપવામાં આવ્યો હતો, પરંતુ અંદર રહેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી.






એન્કાઉન્ટરની વિગતો આપતા ADGP કાશ્મીરે જણાવ્યું હતું કે, "બંને માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ પુલવામાના અરબાઝ મીર અને શાહિદ શેખ તરીકે કરવામાં આવી છે, જેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર સાથે જોડાયેલા હતા.






બે દિવસ પહેલા પણ એન્કાઉન્ટર થયું હતું


આ પહેલા રવિવારે પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. અહેવાલો અનુસાર, ત્રણેય આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા, પરંતુ તેઓ ભાગવામાં સફળ થયા હતા. અહેવાલો અનુસાર, બડગામ જિલ્લાના રેડબુગ માગામ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. અહીં સુરક્ષાદળોએ આતંકીઓને ઘણી વખત આત્મસમર્પણ કરવાનો મોકો આપ્યો, પરંતુ તેઓ માન્યા નહીં અને સતત ફાયરિંગ કરી રહ્યા હતા. આ પછી બંને તરફથી ગોળીબાર શરૂ થયો અને થોડી વાર પછી આતંકીઓએ ફાયરિંગ બંધ કરી દીધું. આ દરમિયાન આતંકીઓ ભાગી ગયા હોવાની માહિતી મળી હતી.