Priyanka Gandhi Reveals Sonia Gandhi : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ માતા સોનિયા ગાંધીને લઈને પહેલીવાર રહસ્યોનો ઘટસ્ફોટ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ પિતા રાજીવ ગાંધી અને માતા સોનિયા ગાંધીના લગ્ન જીવનને લઈને પણ પડદો ઉંચક્યો હતો. કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અહીં આયોજિત નાયકી કાર્યક્રમને સંબોધતા પ્રિયંકા ગાંધીએ આ વાત કહી હતી. 


કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, તેમનો ઉછેર બે હિંમતવાન મહિલાઓ... દાદી ઈન્દિરા ગાંધી અને માતા સોનિયા ગાંધી દ્વારા થયો છે. તેમણે આગળ ઉમેર્યું હતું કે, તેમની માતા સોનિયા ગાંધી, જેમનો જન્મ ઇટાલીમાં થયો હતો, તેમને શરૂઆતના દિવસોમાં ભારતીય પરંપરાઓ શીખવામાં ભારે મુશ્કેલનો સામનો કરવો પડ્યો હતો. પ્રિયંકાએ ખુલાસો કરતા કહ્યું હતું કે, માતા સોનિયાને રાજકારણ બિલકુલ પસંદ નથી. 


પ્રિયંકાએ યાદ કરતા કહ્યું હતું કે, તેમની દાદી ઈન્દિરા ગાંધીએ તેમના 33 વર્ષના પુત્રને જ્યારે તેઓ આઠ વર્ષના હતા ત્યારે ગુમાવ્યા હતા, પરંતુ સંજય ગાંધીના અવસાનના બીજા જ દિવસે તેઓ તેમની ફરજની ભાવના અને 'આંતરિક શક્તિ'ના જોરે રાષ્ટ્રની સેવામાં જોડાઈ ગયા હતા. ઈન્દિરા ગાંધી તેમના અંતિમ શ્વાસ સુધી દેશની સેવા કરતા રહ્યા. પ્રિયંકાએ કહ્યું હતું કે, તેની માતા સોનિયા માત્ર 21 વર્ષની ઉંમરમાં રાજીવ ગાંધીના પ્રેમમાં પડી ગઈ હતી.


'44 વર્ષની ઉંમરે પતિ ગુમાવ્યા'


કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, તે (સોનિયા) તેની (રાજીવ) સાથે લગ્ન કરવા ઇટાલીથી ભારત આવી હતી. તેને આપણી પરંપરાઓ શીખવામાં કેટલીક મુશ્કેલીઓ નડી હતી. તેમણે ભારતીય જીવનશૈલી શીખી. તેમણે ઈન્દિરાજી પાસેથી ઘણુંબધું શીખ્યું અને 44 વર્ષની ઉંમરે પોતાના પતિને ગુમાવ્યા. પ્રિયંકાએ કહ્યું હતું કે, જો કે તેને રાજનીતિ પસંદ નહોતી, તેમ છતાં તેણે દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો અને આજે 76 વર્ષની ઉંમરે પણ તે દેશની સેવા કરી રહી છે.


પ્રિયંકાએ આગળ ઉમેર્યું હતું કે, સોનિયાએ ઈન્દિરા ગાંધી પાસેથી એક "ખૂબ જ મહત્વની વાત" શીખી. પ્રિયંકાએ કહ્યું કે, તમારા જીવનમાં ગમે તે થાય, તમે કેટલી પણ મોટી દુર્ઘટનાનો સામનો કેમ ના કર્યો હોય અથવા તમારો સંઘર્ષ કેટલો મુશ્કેલ કેમ ના હોય તે કોઈ ફરક નથી પડતો... પછી ભલે તે ઘર હોય કે કામ પર કે બીજી કોઈ જગ્યા. તમારામાં ઊભા રહીને પોતાના માટે લડવાની તાકાત તમારી અંદર જ હોય છે.