ચેન્નાઇઃ તામિલનાડુમાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. તિરુરુર જિલ્લાના અવિનાશી શહેરની બાજુમાં ગુરુવારે કેરળ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. જેમાં 20 લોકોનાં મોત નિપજ્યાં હતાં અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતાં. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. લોકોનું ટોળું ભેગું થતાં મદદ માટે દોડી આવ્યાં હતાં.


અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. કેટલાંકની હાલત એકદમ ગંભીર હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, બસનો આગળનો ભાગ આખે આખો ટ્રકની નીચે આવી ગયો હતો. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

માનવામાં આવતું હતું કે, બસ કર્ણાટકના બેગ્લુંરુથી કેરાલાના અર્નાકુલમ જઈ રહી હતી ત્યારે તિરુપુરના અવિનાશી શહેરની પાસે તે ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી. આ ભયાનક ટક્કરમાં 20 લોકોનાં મોત થયા હતાં. મૃતકોમાં 14 પુરુષો અને 6 મહિલાઓ સામેલ છે.

અકસ્માતમાં બચી ગયેલા કરિશ્મા નામની એક મહિલાએ કહ્યું હતું કે, તે બસની ડાબી બાજુ બેઠી હતી અને દુર્ઘટના સર્જાઈ ત્યારે તે સુઈ રહી હતી.'જોકે અચાનક જ હું જાગી ત્યારે મેં અનેક લોકોને દોડતાં જોયા હતા અને ઘાયલોને દવાખાને ખસેડાયા હતા.

કેરળથી આવેલા અલને કહ્યું હતું કે, એ કરૂણ અને અતિ ભયંકર અકસ્માતને ભુલવું ખૂબ મુશ્કેલ. મારો મિત્ર ઘાયલ થયો જેને કેટલાક લોકોએ હોસ્પિટલ ખસેડ્યો હતો. એક ઘાયલ મહિલાએ કહ્યું હતું કે, ટ્રક ઓવરલોડેડ હતી અને અકસ્માત વખતે ત્યાં વધારે વાહનો પણ નહતા.