વિદેશ મંત્રાલયે કહ્યું- સાબરમતી આશ્રમ નહીં જાય રાષ્ટ્રપતિ ટ્રમ્પ, અંતિમ સમયે કાર્યક્રમમાં ફેરફાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Feb 2020 07:15 AM (IST)
અમદાવાદના મોટેરામાં યોજાઈ રહેલા કાર્યક્રમનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ અમદાવાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે તેમના કાર્યક્રમમાં અંતિમ સમયે ફેરફાર કરવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પણ કહ્યું કે, યાત્રાનો કાર્યક્રમ નક્કી થયા બાદ હવે તેમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રવક્તા અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુજરાત જશે. એરપોર્ટથી 10 કિમી લાંબો રોડ શોમાં ભાગ લેશે. અહીં નવા બનેલ મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેશે, પરંતુ સાબરમતી આશ્રમ નહીં જાય. રાષ્ટ્રપતિએ સામબરતી આશ્રમ જવા અને ચરખા મ્યૂઝિયમ જવાનો કાર્યક્રમ ટાળી દીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, 'અમદાવાદના મોટેરામાં યોજાઈ રહેલા કાર્યક્રમનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં કોને આમંત્રણ આપવું તે સમિતિ નક્કી કરે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે અમેરિકા સાથેની ટ્રેડ ડીલના મુદ્દે ઉમેર્યુ કે , 'અમને આશા છે કે અમે અમેરિકા સાથે કોઈ સમજૂતી પર પહોંચીશું છતાં અમને કોઈ ઉતાવળમાં નથી. ટ્રેડ ડીલને લગતા મુદ્દાઓ જટીલ છે. અમે કોઈ સમયમર્યાદા નક્કી કરવા માંગતા નથી. અમારા માટે લોકોનું હિત મહત્ત્તવનું છે.