નવી દિલ્લીઃ રાજસ્થાનમાં બનેલી એક વિચિત્ર ઘટનામાં ભ્રષ્ટ મામલતદારને રંગે હથ લાંચ લેતાં પકડવા ગયેલા એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી)ના અધિકારીઓને જોઈ જતાં મામલતદારે ગેસ સળગાવીને 20 લાખ રૂપિયાની નોટો સળગાવી દઈને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પોલીસે દરવાજો તોડીને અડધી સળગેલી નોટો સાથે મામલતદારને ઝડપી લીધો હતો.


આ ઘટનામાં સિરોહી જિલ્લાનાં પિંડો બારાત તાલુકાનાં મામલતદારે એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)નાં અધિકારીઓને જોઇને દરવાજો બંધ કરી દીધો અને 20 લાખ રૂપિયા ગેસ પર મૂકીને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે ACBનાં અધિકારીઓએ સતર્કતા બતાવીને દરવાજો  તોડીને અડધી સળગેલી નોટો સાથે મામલતદાર કલ્પેશ કુમાર જૈનની ધરપકડ કરી હતી.


રાજસ્થાનમાં ભ્રષ્ટાચારનાં કેસ સતત વધી રહ્યા છે તેથી ભ્રષ્ટ અધિકારીઓને પકડવાનાં સરકારે પ્રયાસો તેજ કર્યા છે. આ ઝુંબેશ દરમિયાન  ACBને ફરિયાદ મળી હતી કે પિંડવાડામાં આંબળા ઉત્પાદનનાં આંબળા છાલનાં ટેન્ડર માટે 1 લાખ રૂપિયાની લાંચની માંગ કરી રહ્યા છે. 


માહિતી મળતાં ACBની ટીમ મોકલવામાં આવી અને 1 લાખ રૂપિયાની લાંચ લેતા મહેસુલ નિરિક્ષીક પરબત સિંહની ધરપકડ કરાઈ હતી. પરબત સિંહે જણાવ્યું કે, આ નાણાં તે મામલતદાર કલ્પેશ કુમાર જૈન વતી લઇ રહ્યા છે. ત્યાર બાદ પરબત સિંહને લઈને  એસીબીની ટીમ  મામલતદાર કલ્પેશ કુમાર જૈનનાં ઘરે પહોંચી હતી. ACBનાં અધિકારીઓને જોતાં જ કલ્પેશ કુમાર જૈને દરવાજો બંધ કરી દીધો હતો અને નોટોને આગનાં હવાલે કરી દીધી હતી. ACBના અધિકારીઓએ ધુમાડો જોતાં  દરવાજો તોડીને ઘરની અંદર ઘૂસ્યા હતા. અંદર ગેસ પર લગભગ 20 લાખની નોટો અડધી સળગેલી કબજે કરી હતી. આ ઉપરાંત ACBએ તેમના ઘરથી 1 લાખ 60 હજાર રૂપિયાની નોટો સારી સ્થિતીમાં પણ કબજે કરી છે. રાજસ્થાનમાં ભ્રષ્ટાચારનાં કેસ સતત વધી રહ્યા છે તેથી ભ્રષ્ટ અધિકારીઓને પકડવાનાં સરકારે પ્રયાસો તેજ કર્યા છે.