મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે કહ્યું કે પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેને રાજ્ય સરકારના સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ણ ભૂષણ એવોર્ડ આપવામાં આવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતાવાળી સમિતિએ ભોસલેને વર્ષ 2020ના પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારા દ્વારા 1996થી આપવામાં આવતો આ એવોર્ડ રાજ્યના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને તેના ઉત્કૃષ્ટ કાર્યો અને ઉપલબ્ધિઓ માટે આપવામાં આવે છે.


ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડની પસંદગી સમિતિની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી હતી.  નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, સાંસ્કૃતિક બાબતોના મંત્રી અમિત વિલાસરાવ દેશમુખ, રાજ્ય મંત્રી રાજેન્દ્ર પાટિલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. આ જાહેરાત પછી તરત જ ઠાકરે, પવાર અને અન્ય લોકોએ 87 વર્ષના ભોંસલેને અભિનંદન પાઠવ્યા હતા. જેમને બાદમાં યોજાનારા સમારોહમાં સન્માનિત કરવામાં આવશે.




આશા ભોસલેના બહેન પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને વર્ષ 1997માં આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશા ભોસલેએ કહ્યું ઉદ્ધવ ઠાકરેથી તેમને ખબર પડી કે વર્ષ 2020 પુરસ્કાર માટે તેમના નામને પસંદ કરવામાં આવ્યું છે. ગાયિકાએ કહ્યું હું આ પુરસ્કાર માટે મારુ નામ પસંદ કરવા પર તેમનો આભાર વ્યક્ત કરુ છું. મહારાષ્ટ્રના લોકો મને ખૂબ પ્રેમ કરે છે અને ઘણા વર્ષોથી મને પોતાના પરિવારનો ભાગ માને છે.