નવી દિલ્હીઃ નિર્ભયા કેસમાં દિલ્હીની  પટિયાલા હાઉસ કોર્ટ દ્ધારા ડેથ વોરંટ  જાહેર કર્યા  બાદ બે  દોષિતોએ કરેલી ક્યૂરેટિવ અરજી પર સુપ્રીમ કોર્ટ 14 જાન્યુઆરીના રોજ  સુનાવણી કરશે. એ દિવસે જાણ થશે કે નિર્ભયાના દોષિતોને 22 જાન્યુઆરીના  રોજ ફાંસી  આપવામાં આવશે કે પછી દોષિતોને  વધુ કેટલાક દિવસની  રાહત મળશે.


દોષિત વિનય શર્મા અને મુકેશની ક્યૂરેટિવ અરજી પર 14 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટની  જસ્ટિસ એનવી  રમના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન, જસ્ટિસ આર બનુમથી  અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચ સુનાવણી કરશે. નિર્ભયાના દોષિત વિનય શર્માના વકીલ એપી સિંહ અને મુકેશના વકીલ વૃંદા ગ્રોવરે આ મામલામાં  ક્યૂરેટિવ અરજી દાખલ કરી હતી. અરજીમાં ફાંસીની સજાને ઉંમર કેદમાં બદલવાની માંગ કરી હતી. વિનયે કહ્યું કે સુપ્રીમ કોર્ટ સહિત તમામ કોર્ટે  મીડિયા અને નેતાઓના  દબાણમાં આવીને તેમને દોષિત ઠેરવ્યા છે. ગરીબ હોવાના કારણે  તેમને મોતની સજા આપવામાં આવી છે. જેસિકા લાલ મર્ડર કેસમાં  દોષિત મનુ શર્માએ પણ અકારણ હત્યા કરી હતી પરંતુ તેને ઉંમર કેદની સજા આપવામાં આવી હતી. નોંધનીય છે કે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ડેથ વોરંટ જાહેર કર્યા બાદ આ દોષિતો પાસે 14 દિવસની અંદર જ ક્યૂરેટિવ અરજી દાખલ કરવાનો અધિકાર હતો.