Hyderabad Encounter Case: વર્ષ 2019ના હૈદરાબાદના ચર્ચિત એન્કાઉન્ટરને સુપ્રીમ કોર્ટ દ્ધારા રચવામાં આવેલા કમિશને નકલી ગણાવ્યુ હતું. આ માટે કમિશને કેટલાક પોલીસકર્મીઓને જવાબદાર ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રિપોર્ટ સાર્વજનિક કરવાનો આદેશ આપ્યો છે. તેમજ આગળની કાર્યવાહી માટે આ કેસ તેલંગાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે હૈદરાબાદમાં 26 નવેમ્બર 2019ની રાત્રે 27 વર્ષીય વેટરનરી ડૉક્ટર પર બળાત્કાર કર્યા બાદ હત્યા કરવામાં આવી હતી. 6 ડિસેમ્બરે સવારે 3 વાગ્યાની આસપાસ પોલીસે ચારેય આરોપીઓને શંકાસ્પદ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. થોડા દિવસો પછી સુપ્રીમ કોર્ટે તેના ભૂતપૂર્વ જસ્ટિસ વીએસ સિરપુરકરની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના કરી હતી.
જસ્ટિસ સિરપુરકર કમિશનને કામ શરૂ થયાના 6 મહિનાની અંદર રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે રીતે તેમનો કાર્યકાળ ઓગસ્ટ 2020માં પૂર્ણ થવાનો હતો. પરંતુ કોરોનાને કારણે કામમાં વિલંબ થયો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કમિશને પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોંપ્યો હતો.
આજે ચીફ જસ્ટિસ એન વી રમનાની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ રિપોર્ટ ખોલ્યો હતો. તેલંગણા સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને આ રિપોર્ટને હાલ પૂરતો ગુપ્ત રાખવાની વિનંતી કરી હતી પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી.
ચીફ જસ્ટિસે કહ્યુ હતું કે આ રિપોર્ટમાં ગુપ્તતાની કોઈ વાત નથી. અમારા આદેશ પર તપાસ કરવામાં આવી હતી અને કેટલાક લોકો દોષી સાબિત થયા હતા. રાજ્ય સરકાર રિપોર્ટના આધારે કાર્યવાહી કરે. અમે આ મામલાને મોનિટર કરવા માંગતા નથી. હવે તમામ પક્ષકારો રિપોર્ટ વાંચે અને આગળની રાહત માટે હાઇકોર્ટમાં પોતાની વાત રજૂ કરે.