નવી દિલ્લીઆમ આદમી પાર્ટીનાં 21 સંસદીય સચિવોના સભ્યપદ પર તોળાઈ રહેલા ખતરાની વચ્ચે આજે ચૂંટણી પંચ મહત્વની સુનાવણી કરશે. તો બીજી તરફ કેન્દ્ર સરકારે દિલ્લી હાઈકોર્ટમાં 21 સંસદીય સચિવોની નિમણૂંકનો વિરોધ કરતા કહ્યું કે દિલ્લી માટે કાયદામાં 21 સંસદીય સચિવોની નિમણૂંક માટે કોઈ જોગવાઈ નથી.

ચૂંટણી પંચે દિલ્લીના તે તમામ 21 ધારાસભ્યોને તેમની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે નોટિસ પાઠવી હતી કે જેઓને દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલે સંસદીય સચિવના પદ માટે નિયુક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 14 જૂલાઈ સુધી પદના લાભનાં મામલે તેઓને નોટિસ ફટકારી હતી. ચૂંટણી પંચે બંધારણીય જોગવાઈ ન હોવા છતાં પણ સંસદીય સચિવની નિમણૂંકને લઈને 21 ધારાસભ્યો પાસેથી જવાબ માગ્યો હતો. દિલ્લી સરકારે દિલ્લી વિધાનસભા રિમૂવલ ઓફ ડિસ્ક્વોલિફિકેશન એક્ટ- 1997માં સુધારો કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બિલનો મતલબ સંસદીય સચિવના પદનો લાભનાં પદથી છૂટકારો અપાવવાનો હતો, કે જેને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નામંજૂર કર્યું હતું.




આ મામલે ચૂંટણી પંચે દિલ્લી સરકારનાં મુખ્ય સચિવ પાસેથી પણ 11 સવાલનાં જવાબ માંગ્યા હતા, જેનાં જવાબ સરકાર તરફથી આપી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચનાં આ નિર્ણય વિરુદ્ધ દિલ્લી સરકારે પહેલેથી જ સુપ્રીમ કોર્ટના દ્રાર ખખડાવાની વાત કરી ચૂકી છે.