નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યાં છે. રવિવારે દિલ્હીમાં એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ રેકોર્ડ 2224 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે, એટલુ જ નહીં રવિવારે 56 લોકોએ કોરોનાના કારણે જીવ પમ ગુમાવ્યો હતો.


સૌથી વધુ નવા કેસો સામે આવ્યા બાદ દિલ્હીમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 41182 થઇ ગઇ છે. વળી અત્યાર સુધી સારવાર બાદ 15823 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. દિલ્હીમાં આ વાયરસના કારણે અત્યાર સુધી 1327 લોકોના મોત પણ થયા છે.



દિલ્હીમાં ગંભીર બની રહેલી સ્થિતિને જોતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન, દિલ્હીના ત્રણ નગર નિગમોના પ્રમુખો અને અધિકારીઓ સાથે બે ઉચ્ચ સ્તરીય બેઠકો કરી હતી.

બેઠક બાદ અમિત શાહે કહ્યું કે આગામી બે દિવસમાં કૉવિડ-19ની તપાસની સંખ્યા બેગણી કરવામાં આવશે, અને ત્યારબાદ આને ત્રણ ગણી કરાશે. ગૃહમંત્રીએ કહ્યુ ંકે થોડાક દિવસોમાં દિલ્હીના કન્ટેન્ટમેન્ટ ઝૉનના દરેક મતદાન કેન્દ્ર પર કૉવિડ-19ની તપાસ શરૂ કરવામાં આવશે. કૉવિડ-19ના દર્દીઓ માટે બેડની કમીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર દિલ્હીને 500 રેલવે ડબ્બાઓ પણ ઉપલબ્ધ કરાવશે. જેથી સારવાર આસાન બની શકે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોની એક બેઠક પણ બોલાવી છે.