North East Express Train Accident: બિહારના બક્સર પાસે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માત ટુરીગંજ અને રઘુનાથપુર વચ્ચે થયો હતો. બક્સર જિલ્લા મેજિસ્ટ્રેટે એક મુસાફરના મોતની પુષ્ટિ કરી છે. જ્યારે અનેક લોકો ઘાયલ થવાની આશંકા છે. રેલવે અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. આ ટ્રેન દિલ્હીથી કામાખ્યા જઈ રહી હતી. આ ઘટના અંગે દાનાપુર રેલ્વે વિભાગ દ્વારા હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યો છે. રેલવે તરફથી લખવામાં આવ્યું છે કે ટ્રેન નંબર 12506 નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા છે.
ઘટનાની માહિતી મળતા જ NDRF અને SDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને તમામ હોસ્પિટલોને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મેડિકલ ટીમ અને અધિકારીઓ સાથે અકસ્માત રાહત વાહનોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ તેમના સંસદીય મતવિસ્તાર બક્સર હેઠળના રઘુનાથપુર રેલવે સ્ટેશન પર થયેલા અકસ્માત અંગે વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. ઘટનાને દુ:ખદ ગણાવતા કેન્દ્રીય મંત્રી ચૌબેએ કહ્યું કે રાહત કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્થાનિક લોકો મદદ માટે પહોંચ્યા છે. તેમણે પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓને ફોન પર ત્યાં પહોંચવા અને શક્ય તમામ મદદ આપવાનો નિર્દેશ પણ આપ્યો.
કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું- રેલવે મંત્રીને માહિતી આપવામાં આવી છેસાંસદ અશ્વિની ચૌબેએ કહ્યું કે,"મેં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને આ વિશે જણાવ્યું છે. આ સાથે, મેં NDRFના ડીજી, બિહારના મુખ્ય સચિવ, ત્યાંના જિલ્લા મેજિસ્ટ્રેટ, રેલ્વેના જીએમ. સામાજિક કાર્યકર અને અન્ય સાથે પણ વાત કરી છે. લોકો બચાવ કાર્યમાં લાગેલા છે. તેઓ તબીબોની ટીમ પણ સ્થળ પર મોકલી રહ્યા છે. હું પણ સ્થળ પર પહોંચી રહ્યો છું. હું પણ સતત માહિતી લઈ રહ્યો છું.
ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે શું કહ્યું?
બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ટ્વીટર પર લખ્યું કે, "બક્સરમાં દિલ્હીથી ગુવાહાટી જઈ રહેલી નોર્થ ઈસ્ટ એક્સપ્રેસની અનેક બોગીઓ પલટી જવાની દુઃખદ ઘટના પર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, આરોગ્ય વિભાગ અને બક્સરના જિલ્લા અધિકારીઓને વહેલી તકે ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્યને ઝડપી બનાવવા અને ઘાયલો માટે યોગ્ય તબીબી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. બિહાર સરકાર પીડિતો અને ઘાયલો માટે બચાવ, રાહત અને સારવાર કાર્યમાં સક્રિયપણે વ્યસ્ત છે.