જમ્મુ વિભાગના રામબન જિલ્લામાં ભારે વરસાદ, કરા અને વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં બે બાળકો સહિત ત્રણ લોકોના મોત થયા હતા. આ કુદરતી આફતને કારણે જિલ્લાના સેરી બાગન વિસ્તારમાં ઘરો કાટમાળથી ફેરવાઇ ગયા હતા. 200થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

આ સાથે જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે રવિવારે જાહેર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે ભારે વરસાદ અને ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને 21 એપ્રિલ, સોમવારના રોજ ખીણની તમામ શાળાઓમાં વર્ગો સ્થગિત રહેશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર માહિતી આપતાં શિક્ષણ મંત્રી સકીના ઇત્તોએ જણાવ્યું હતું કે, "સતત બગડતા હવામાન અને હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને સાવચેતીના પગલા તરીકે ખીણની તમામ શાળાઓમાં 21 એપ્રિલે એક દિવસ માટે વર્ગ કાર્ય સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ પગલું લેવામાં આવ્યું છે.

નેશનલ હાઇવે બંધ

વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર નાશરી અને બનિહાલ વચ્ચે એક ડઝન સ્થળોએ પર્વત પરથી ભૂસ્ખલન અને કાટમાળ પડ્યો હતો. જેના કારણે બંને બાજુથી વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. આના કારણે સેંકડો મુસાફરો, ટ્રક અને બસો રસ્તામાં ફસાયેલા છે. સમગ્ર વિસ્તારમાં નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. ધર્મકુંડ ગામમાં 40 ઘરોને ભારે નુકસાન થયું હતું. મોબાઇલ ટાવરને નુકસાન થવાને કારણે ટેલિકોમ્યુનિકેશન સેવાઓ ખોરવાઈ ગઈ છે.

પૂરને કારણે ઉભી થયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સેના, પોલીસ, QRT, NDRF અને SDRF ની ટીમો વહેલી સવારથી બચાવ કાર્યમાં રોકાયેલી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહ, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા, મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ત્રણ લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા સૂચનાઓ આપી છે.

હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી હતી. હવામાન વિભાગે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી પહેલાથી જ જાહેર કરી હતી. રામબન જિલ્લામાં શનિવાર મોડી રાતથી વરસાદ શરૂ થયો હતો.

સેરી બાગન સહિત ઘણા વિસ્તારો પ્રભાવિત છે

રવિવારે સવારે લગભગ 3 વાગ્યે રામબનના સેરી બાગન વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે પૂર આવ્યું. સેરી બાગન, કેલા મોડ, બાઉલી બજાર અને ધર્મકુંડ વિસ્તારો તેનાથી પ્રભાવિત થયા હતા. સેરી બાગનાના રહેવાસી બે બાળકો, આકીબ અહેમદ અને મોહમ્મદ સાકિબ, સગા ભાઈઓ અને મુની રામ, કાટમાળ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા.

કાશ્મીરમાં પણ ખતરો

પોલીસ કંટ્રોલ રૂમ અનુસાર, રામબન જિલ્લાના સેરી, કેલા મોડ અને ધરમકુંડમાં લગભગ 50 ઘરોને નુકસાન થયું છે. કિશ્તવાડમાં પણ ભૂસ્ખલન થયું હતું. કાશ્મીરમાં પણ સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણીના સ્ત્રોત છલકાઈ રહ્યા છે અને લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.