શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે બરફવર્ષા અને વરસાદથી સંકટ ઉભું થયું છે. ગુરેજ વિસ્તારમાં હિમસ્ખલનમાં 30 ઘર ધરાશાયી થયા હતા. પૂંચ અને રીયાસી જિલ્લામાં ભૂસ્ખલનમાં 3નાં મોત અને એક ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યાં હતાં. કાશ્મીરના પૂંચમાં મંડીફત્તેપુર નજીક વાહન પર જઈ રહેલા ત્રણ યુવાનો ભૂસ્ખલનમાં દટાઈ ગયા હતાં. જેમાં બેનાં મોત થયાં હતાં. રીયાસી જિલ્લામાં ભૂસ્ખલનમાં ચાર વર્ષીય બાળક જીવતો દટાઈ ગયો હતો.
કાશ્મીરમાં બાંદીપુર જિલ્લામાં રાત્રિભર બરફવર્ષા ચાલુ રહી હતી. ગુરેજ વિસ્તારમાં હિમસ્ખલનમાં 30 ઘર દટાઈ ગયા હતા. હજુ આ વિસ્તારમાં છથી સાત ફૂટ બરફના થર બીજા થયા છે. બચાવ ટૂકડી કામે લાગી છે. પરંતુ બરફવર્ષાને કારણે તેમના કામમાં અડચણ પડે છે. આ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
શ્રીનગર હાઈવે ભૂસ્ખલનને કારણે આજે ત્રીજા દિવસે પણ બંધ હતો અને 1700 જેટલા વાહનો ફસાયેલા છે. રામવન જિલ્લામાં 20 સ્થળે ભૂસ્ખળન થતાં જમ્મુ-કાશ્મીરના 270 કિલોમીટરના હાઈવે પર સતત વરસાદને પગલે પાંચ સ્થળે ભૂસ્ખલન થયા હતાં. ખૂંનીનાળા, પંશીમાલ, દિગડોલે, બેટરી ચેશ્મા અને મારૂંગમાં હાઇવે સંપૂર્ણ બંધ કરાયો હતો.