નવી દિલ્હીઃ છત્તીસગઢમાં રાજનાંદગાંવ જિલ્લામાં ગઇકાલે રાત્રે પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં મદનવાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્યામ કિશોર શર્મા શહીદ થયા હતા. જ્યારે જવાનોએ ચાર નક્સલવાદીઓને ઠાર માર્યા હતા. નક્સલીઓ પાસેથી એક એકે-47, એક SLR અને બે 12 બોર રાઇફલ મળી આવી હતી. અથડામણ રાજનાંદગાંવના પરધૌની વિસ્તારમાં રાત્રે લગભગ 11 વાગ્યે થઇ હતી.


છત્તીસગઢના ડીજીપી ડી.એમ. અવસ્થીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં  જણાવ્યું કે, પોલીસને સૂચના મળી હતી કે  નક્સલી ગામમાં જમવાનું  બનાવી રહ્યા છે ત્યારબાદ ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ટીમ મોકલવામાં આવી હતી. નક્સલીઓની હાજરીની સૂચના  પર મદનવાડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્યામ કિશોર શર્મા પણ  પોતાની ટીમ રવાના થઇ હતી. ત્રણ અલગ અલગ ટીમ  નીકળી હતી પરંતુ તેમાંથી શ્યામ કિશોરની ટીમનો સામનો  નક્સલીઓ સાથે થઇ ગયો હતો.

આ અથડામણમાં મદનવાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શ્યામ કિશોર શર્મા શહીદ થયા હતા. આ અથડામણમાં ચાર નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. આ નક્સલીઓ પર લાખોનું ઇનામ હતું. માનપુર મોહલા એરિયા કમિટીના સભ્ય અશોક પર 8 લાખનું ઇનામ હતું. કૃષ્ણા પર પાંચ લાખનું, પ્રમિલા પર એક લાખ અને સરિતા પર એક લાખ રૂપિયાનું ઇનામ હતું. ઇન્સ્પેક્ટર શ્યામ કિશોર શર્માના શહીદ થવા પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે દુખ વ્યક્ત  કર્યું હતું.