ગુવાહાટીઃ આસામના એક ચાર વર્ષના બાળકનો વીડિયો વાયરલ થયો છે. હાથમાં I Want Justice તેવું પ્લેકાર્ડ લઈને ઉભેલા આ બાળકના વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, આસામના સીએમ હિમતા બિસ્વાને પણ ટેગ કરવામાં આવ્યા છે.


વીડિયોમાં શું કહે છે બાળક


વીડિયોમાં બાળક મારું નામ રિઝવાન સાહિદ લસ્કર હોવાનું કહી રહ્યો છે. ડીયર સર, જ્યારે હું 3 મહિનાનો હતો ત્યારે મારા પિતાની 26 ડિસેમ્બર, 2016 ના રોજ 11 જણાએ ઘાતકી હત્યા કરી હતી. વીડિયોમાં તે મને ન્યાય આપો તેવું પ્લેકાર્ડ લઈને ઉભેલો જોવા મળે છે. આસામના સિલ્ચરનો 4 વર્ષનો છોકરો ન્યાય માટે  વીડિયોમાં વિનંતી કરતો જોવા મળે છે. તેના પિતાની 26 ડિસેમ્બર, 2016 ના રોજ આસામના કચર જિલ્લાના સોનાઈ રોડ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી.


વીડિયમાં છોકરો કહી રહ્યો છે કે, વડાપ્રધાન, ગૃહમંત્રી અને આસામના મુખ્યમંત્રીને શુભ સવાર, મારું નામ રિઝવાન સાહિદ લસ્કર છે. પ્રિય સાહેબ, જ્યારે હું 3 મહિનાનો હતો ત્યારે 26 ડિસેમ્બર, 2016 ના રોજ 11 લોકો દ્વારા મારા પિતાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી (કેસ નં. 121/2017). હવે હું અમારા પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને આસામના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આ મામલો ઉઠાવો અને અમને ન્યાય આપો. ખૂબ ખૂબ આભાર, ”


બાળકના પિતા રેતી માફિયાના રહસ્યો જાણતા હોવાથી કરાઈ હતી હત્યા


દરમિયાન, મૃતકના પરિવારે વધુ આરોપ લગાવ્યો હતો કે, સાહિદુલની રહસ્યમય હત્યાની ઘટનાના ચાર વર્ષ બાદ પણ પોલીસ આજ સુધી આરોપીને પકડવામાં જાણી જોઈને નિષ્ફળ રહી છે. અગાઉ મૃતકની પત્ની અને 4 વર્ષના છોકરાની માતાએ સિલચરના તારાપુર પોલીસ સ્ટેશનમાં 11 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જોકે, આ મામલે આગળ કોઈ કાર્યવાહી કરવામાં આવી  ન હોવાની મૃતકની પત્નીએ દાવો કર્યો હતો. સાહિદુલ અલોમ લસ્કર કોન્ટ્રાક્ટર હોવાથી રેતી માફિયાઓ દ્વારા તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેઓ તેમના ઘણા રહસ્યો જાણતા હતા.