નવી દિલ્હીઃ સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, ભારતમાં માત્ર 19 દિવસની અંદર લગભગ 45 લાખ લોકોને રસી આપવામાં આવી છે. ભારત 18 દિવસની અંદર 40 લાખ લોકોને રસી આપીને સૌથી ઝડપથી રસીકરણ કરનાર દેશ બની ગયો છે.


મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ઘણા દેશોને ૪૦ લાખ લોકોને વેક્સીન આપવામાં ૬૫ દિવસ લાગ્યા છે. ભારતે સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૃઆત કરી હતી.

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૮૦૪૧ સેશનમાં ૩,૧૦,૬૦૪ લોકોને વેક્સીન આપવામાં આવી હતી. અત્યાર સુધી ૮૪,૬૧૭ સેશન હાથ ધરવામાં આવ્યા છે.

મંત્રાલય અનુસાર દેશમાં 19 દિવસમાં 44,49,552 લોકોને કોરાના રસી આપવામાં આવી ઝે. ભારતમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1,55,025 રહી ગઈ છે જે સંક્રમણના કુલ કેસના માત્ર 1.44 ટકા છે.

દેશમાં કોરોનાને મ્હાત આપનાર લોકોની કુલ સંખ્યા 1,04,80,455 થઈ ગઈ છે. ભારતમાં રિકવરી રેટ 97.13 ટકા થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કેરળમાં સતત કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 6356 નવા કેસ સામે આવ્યા છે. આ ગાળામાં મહારાષ્ટ્રમાં 2992 અને તમિલનાડુમાં કોરોનાના નવા 514 નવા કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસના નવા મોતના કેસમાંથી 71.03 ટકા કેસ માત્ર છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી જ છે. મહારાષ્ટ્રમાં વિતેલા 24 કલાકમાં સૌથી વધારે 30 લોકોના મોત થયા છે જ્યારે કેરળમાં 20 અને પશ્ચિમ બંગાળ તથા છત્તીસગઢમાં સાત-સાત લોકોના મોત થયા છે.