Explosion In Fire Crackers Factory: તમિલનાડુના મુદુરૈ જિલ્લામાં એક ખાનગી ફટાકડાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. મુદુરૈના એસપી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ ઘટના મુદુરૈ જિલ્લાના ઉસિલામ્બટ્ટી પાસે બની હતી. હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
ફેક્ટરીમાં આગની જાણ થતાં જ વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક ફાયર ફાયટરને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મુદુરૈ એસપીએ પાંચ લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ઉસીલામબટ્ટી પાસે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે.
મૃતકોની ઓળખ થઈ ગઈ છે
મૃતકોની ઓળખ અમ્માવાસી, વલ્લરાસુ, ગોપી, વિકી અને પ્રેમા તરીકે થઈ છે. બીજી તરફ ઘાયલ થયેલા દસ મજૂરોની હાલત પણ નાજુક છે. પુરાવા એકત્ર કરવાની સાથે પોલીસ એ જાણવાનો પણ પ્રયાસ કરી રહી છે કે અકસ્માત કેવી રીતે થયો. માહિતી મળતાની સાથે જ આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચવા લાગ્યા હતા અને ત્યાં લોકોની ભીડ જોવા મળી હતી.
પ્રશાસને સ્થાનિક લોકોની મદદથી કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગમાં ફટાકડાના વેરહાઉસ સિવાય અહીં ભાડૂતો પણ રહેતા હતા. ઓક્ટોબર મહિનામાં મધ્યપ્રદેશના મુરેનામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં 4 લોકોના મોત થયા હતા અને 7 લોકો ઘાયલ થયા હતા. અહીં વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આખું ઘર ધરાશાયી થઈ ગયું.