નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેર ધીમી પડી છે. પરંતુ કોરોના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટે ચિંતા વધારી છે. સરકારે આજે જણાવ્યું કે 45000 નમૂનાની તપાસમાં કોરોનાના ડ઼ેલ્ટા પ્લ્સ વેરિએન્ટના 48 કેસ સામે આવ્યા છે અને તેમાથી સૌથી વધારે 20 મહારાષ્ટ્રમાં છે. અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટની પુષ્ટી થઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના મુજબ, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના મધ્યપ્રદેશમાં સાત, મહારાષ્ટ્રમાં 20, પંજાબમાં બે, ગુજરાતમાં 2, કેરળમાં 3, તમિલનાડુમાં 9, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, જમ્મુ, કર્ણાટકમાં 1-1 કેસ સામે આવ્યા છે.
ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યા ડેલ્ટા વેરિઅન્ટનું જ સ્વરૂપ છે. જેને કોરોનાની બીજી લહેર માટે જવાબદાર માનવામાં આવે છે. આજે જ સરકારે કહ્યું કે ભારતમાં કોવિડ 19ના 90 ટકા કેસ ડેલ્ટા વેરિઅન્ટ (B.1.617.2) ના છે.
કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું 35 રાજ્યો/ કેંદ્ર શાસિત પ્રદેશોના 174 જિલ્લામાં ચિંતાજનક કોવિડના કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, તેલંગણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં મળ્યા છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ -19 ની ચિંતાજનક પ્રકૃતિના કેસોનું પ્રમાણ મે, 2021 ના 10.31 ટકાથી વધીને જૂન, 2021 માં 51 ટકા થઈ ગયું છે.
શુક્રવારે મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta plus variant) થી સંક્રમિત થયેલા 80 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. આ અંગે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે (Maharashtra Health Minister Rajesh Tope) એ જાણકારી આપી હતી.
રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 21 દર્દીઓમાંથી એક દર્દીનું મોત થયું છે. મૃતકની ઉંમર 80 વર્ષ જણાવવામાં આવી છે. વ્યક્તિ અન્ય બીમારીથી પણ પીડિત હતા. રાજ્યમાં ડેલ્ટા પ્લસના રત્નાગિરીમાં નવ, જલગાંવમાં સાત, મુંબઈમાં બે, પાલઘર, થાણે અને સિંધુદુર્ગ જિલ્લામાં એક-એક કેસ સામે આવ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડ19 ની બંને રસી ( કોવિશીલ્ડ અને કોવેક્સીન ) કોરોનાના આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા સ્વરૂપ સામે કામ કરે છે.
મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોવિડની બીજી લહેર હજુ ખતમ નથી થઈ, હાલ પણ 75 જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણનો દર 10 ટકાથી વધારે અને 92 જિલ્લામાં 5-10 ટકા વચ્ચે છે.