નવી દિલ્હી: આર્થિક અપરાધ કરીને દેશ છોડીને ભાગનાર 51 લોકોએ કુલ 17,900 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આ જાણકારી સરકારે મંગળવારે સંસદમાં આપી હતી. રાજ્ય નાણામંત્રી અનુરાગ સિંહ ઠાકુરે રાજ્યસભામાં ‘ભાગેડુ આર્થિક અપરાધીઓ’ પર એક પ્રશ્નના ઉત્તરમાં લેખીતમાં આ જાણકારી આપી હતી.

રાજ્ય નાણામંત્રીએ કહ્યું કે, સીબીઆઈએ જણાવ્યું કે આજ સુધી 66 મામલામાં 51 ફરાર અને અપરાધી જાહેર કરેલા વિદેશમાં ભાગી ગયા છે. આ મામલે આરોપીઓ દ્વારા લગભગ 17,947 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે.

આ મામલે ઈડી અને સીબીઆઈ સમક્ષ કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને તપાસ અથવા અન્ય કાર્યવાહી ચાલી રહી છે. ઠાકુરે કહ્યું કે, સીબીઆઈ, અપરાધી જાહેર કરેલા અને ફરાર લોકો મામલે 51 પ્રત્યાર્પણ અનુરોધો પર કામ કરી રહી છે જે વિબિન્ન તબક્કામાં પેન્ડિંગ છે.