મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 સીટો પર આજે વોટિંગ થઈ રહ્યું છે. મહારાષ્ટ્રમાં 56.65  ટકા મતદાન થયું છે. મુંબઈમાં બોલિવૂડની હસ્તીઓ પણ મતદાન કરવા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, ભાજપના ગુરદાસપુરના સાંસદ અને અભિનેતા સની દેઓલ, કિંગખાન શાહરૂખ તથા તેની પત્ની ગૌરી સહિત સ્ટાર્સે વોટિંગ કર્યા બાદ લોકોને જંગી મતદાનની અપીલ કરી હતી.


દેવેંદ્ર ફડણવીસે પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં મતદાન કર્યું છે. મહારાષ્ટ્રના પિંપર ચિંચવાડમાં શિવસેના અને એનસીપીની સમર્થકો બાખડ્યા હતા.




ઉદ્ધવ ઠાકરે પત્ની સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરે લોકોને મત આપવા અપીલ કરી હતી. ઉજવળ મહારાષ્ટ્ર માટે મત જરૂર આપો એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. આ સાથે આદિત્ય ઠાકરેએ કહ્યું કે જનતા મારી જીત માટે પ્રાર્થના કરે.


મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સત્તામાં છે. મહારાષ્ટ્રમાં ભાજપના 150 અને શિવસેનાના 126 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. મહારાષ્ટ્રમાં એક લોકસભા બેઠક પર પણ પેટા ચૂંટણી છે. મહારાષ્ટ્રની 228 વિધાનસભા સીટ પર 3237 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે જેમાં 245 મહિલા ઉમેદવારો છે.