નવી દિલ્હી: કોરોના વાયરસનું સંકટ દેશમાં વધી રહ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 કેસોમાં 591 કેસનો વધારો થયો છે. કોરોના વાાયરસના કારણે 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત 5,865 કેસ નોંધાયા છે, જેમાં 5,218 સક્રિય કેસ છે, 478 સ્વસ્થ થયા છે અને 169 લોકો મૃત્યુ પામ્યા છે.




દેશમાં કોરાના વાયરસના સંકટ વચ્ચે સરકારે કોવિડ-19 સામે લડવા માટે 15,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આ ઈમરજન્સી પેકેજથી અનેક રાજ્યોને આર્થિક મદદ મળશે. આ પેકેજનો ઉપયોગ કોવિડ-19 ઈમરજન્સી રિસ્પોન્સમાં થશે.



દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં 1200થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 72 લોકોના મોત થયા છે.

દેશમાં ચાલી રહેલા કોરોના સંકટ વચ્ચે ત્રણ મેડિકલ ઇક્વિપમેન્ટ ખૂબ ચર્ચા થઇ રહી છે. એન-95 માસ્ક, વેન્ટિલેટર અને પીપીઇ કિટ. આજે કોરોનાને લઇને હેલ્થ બુલેટિન જાહેર કરતા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, દેશમાં 20 કંપનીઓ દ્ધારા તેનું નિર્માણ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે સ્વાસ્થ્ય મંત્રાલયે 1.7 કરોડ પીપીઇ કિટ અને 49 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર આપી દીધો છે. જેની સપ્લાય પણ શરૂ કરી દેવામાં આવી છે.