ભોપાલ: દેશમાં કોરોના વાયરસના કહેરમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 400ને પાર પહોંચી છે. છેલ્લા બે દિવસમાં મધ્યપ્રદેશના નાના શહેરોમાં કોરોના વાયરસના 24 નવા કેસ સામે આવ્યા છે. મધ્યપ્રદેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કહેરને લઈને ભોપાલ, ઈન્દોર અને ઉજ્જૈનની સરહદ સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આ શહેરોમાં સોશિયલ મીડિયા પર કોઇ પણ વાંધાજનક પોસ્ટ મુકવા સામે પણ તંત્રએ લાલ આંખ કરી છે.


મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, રાજ્યમાં ઘણા સ્થળોએ માત્ર તબલિગી જમાતીઓના કારણે નવા સંક્રમણના કેસ નોંધાયા છે. તેમની ઓળખ કરવામાં અને હોસ્પિટલ પહોંચાડવા દરમિયાન ઘણા સ્વાસ્થ્યકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હજુ પણ કેટલાક જમાતીઓ છુપાયેલા છે. આવા શરારતી તત્વોને છોડવામાં આવશે નહીં.

મધ્યપ્રદેશના 52 જિલ્લામાંથી 18 જિલ્લા કોરોના પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાણકારી આપતા કહ્યું કે ત્રણ જિલ્લા ભોપાલ, ઉજ્જૈન અને ઈન્દોરની સરહદો સીલ કરવામાં આવી છે. આ સિવાય 18 જિલ્લામાં જે હોટસ્પોટ છે તેને પણ સીલ કરવામાં આવશે. જે જિલ્લાની સરહદો સીલ કરવામાં આવી છે ત્યા કોઈ નહી આવી શકે કે નહી કોઈ જઈ શકે.