જોધપુરઃ રાજસ્થાનના જાલૌર જિલ્લાના મહેશપુર ગામમાં મોટી દુર્ઘટના થઈ હતી. મુસાફરોથી ભરેલી બસને વીજળીનો તાર અડકતાં ફેલાયેલા કરંટથી છ લોકોના મોત થયા હતા. ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બસમાં ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જિલ્લા હોસ્પિટલ ચીફ મેડિકલ ઓફિસર ડો. એસ પી શર્માએ 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ઘટનામાં 6 લોકોના મોત થયા છે. 6 ગંભીર ઘાયલને જોધપુર રિફર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 13 લોકોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બસનો રજિસ્ટ્રેશન નંબર આરજે 51 પીએ 0375 છે.
આ બસ રસ્તો ભૂલી જતાં ગામડામાં આવી ચઢી હતી અને દુર્ઘટના સર્જાઈ હતી. ગામમાં 11 કેવીની લાઇનના વીજળીના તાર અડતાં તેમાં આગ લાગી હતી. સ્થાનિકોને જાણ થતાં વીજ પૂરવઠો બંધ કરાવ્યો હતો અને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બસમાં લાગેલી આગ પર કાબુ મેળવવા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. સ્થાનિક BJP સાંસદ દેવજી પટેલે આ ઘટનાને લઈ દુઃખ વ્યકત કરતું ટ્વિટ કર્યું હતું.