નવી દિલ્હી: 7 મેથી 13 મેની વચ્ચે 64 ફ્લાઈટ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લઈને ભારત પરત આવશે. આ તમામ ફલાઈટ અલગ-અલગ શહેરો રાજ્યોમાં ઉતરશે. જેનું ભાડું મુસાફરો પાસેથી જ લેવામાં આવશે. આ દરમિયાન કોવિડ 19 પ્રોટોકોલનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું, યૂએઈથી દશ,કતરથી બે, સાઉદી અરબથી પાંચ,યૂકેથી સાત, સિંગાપુરથી પાંચ, અમેરિકાથી સાત, ફિલીપીંસથી પાંચ, બાંગ્લાદેશથી સાત, બહેરીનથી બે, મલેશિયાથી સાત,કુવૈતથી પાંચ અને ઓમાનથી બે વિમાન ભારતીયોને લઈને આવશે. તેમણે કહ્યું કે વિદેશોમાં ફસાયેલા ભારતીયને પરત લઈને આવેલા 64 વિમાનોમાંથી 9 દેશોમાંથી આવતા 11 વિમાન તમિલનાડુમાં ઉતરશે.



આ પહેલા ગૃહ મંત્રાલયે કહ્યું હતું, મુસાફરોએ ભાડું ચૂકવવું પડશે. વાણિજ્યિક ઉડાન દ્વારા તેમને લાવવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે વિમાનમાં સવાર થતા પહેલા મુસાફરોની મેડિકલ તપાસ કરવામાં આવશે અને માત્ર તેમને મંજૂરી આપવામાં આવશે જેમાં કોવિડ-19ના લક્ષણ નથી.

મુસાફરી દરમિયાન તેમણે સ્વાસ્થ્ય મંત્રાલય અને નાગર વિમાનન મંત્રાલય દ્વારા નિયમોનું પાલન કરવું પડશે. ગૃહ મંત્રાલયે કહ્યું, વતન પહોંચ્યા બાદ તમામે આરોગ્ય સેતુ એપ પર નોંધણી કરાવવી પડશે.